પધરામણી

દિનુ થાકીને એના રૂમ પર આવ્યો. રોજ કરતા આજે એ વધારે થાકી ગયો હોય એમ લાગતું હતું. એક તો આજે રોજ કરતા વધારે રૂમ બનાવવા પડ્યા અને ડેસ્ક પર કામ કરવાનું ન મળ્યું. એ મોટેલમાં કામ કરતો હતો. ‘ડેઇઝ ઈન’માં. આજથી ચારેક વરસ પહેલાં એ અહિં અમેરિકા આવ્યો હતો. મોટી બહેન ગીતાએ એની પિટિશન ફાઈલ કરી હતી. જે નવ વરસના લાંબા ઈંતેઝાર બાદ ઓપન થઈ હતી. બનેવી જશુભાઈ તો ફાઈલ કરવા માંગતા જ નહોતા. કે’તા કે અહિં હવે પહેલાં જેવું નથી. વળી દિનુ કંઈ ખાસ ભણેલ નહોતો. અહિં આવીને શું કાંદા કાઢવાનો? દિનુની વિનવણી અને બહેનના મનામણાં બાદ એમણે ફાઈલ કરી. દિનુ આવ્યો ને થોડા દિવસમાં જ બનેવીએ એને કહ્યું, ‘જો દિન્યા…, આ અમેરિકા છે. તું એમ માનતો હોય કે અહિં ઘી-કેળાં છે તો એ માન્યતા છોડી જે દેજે. અહિં પરસેવાની કિંમત છે. આ તક અને લકનો દેશ છે. તક ન મળે તો ઊભી કરવાની. પણ લક ન હોય તો કંઈ ન થાય. વીસ વરસમાં મેં કરોડપતિને રોડપતિ થતા જોયા છે તો રોડ પર રખડતાંને મર્સિડિઝમાં મહાલતા જોયા છે. તારે તારું ફોડી લેવાનું.’ અને બનેવીએ ઉમેર્યું, ‘તારે કેવી નોકરી કરવી એ તારા પર નિર્ભર છે. મારા કન્વિનિયન સ્ટોરમાં કે ગેસ સ્ટેશનો પર તને કામ પર રાખવાનો નથી. ધંધામ
ં સગાઓને મેં કદી રાખ્યા નથી. એમાંથી ઘરમાં ઝગડો ઘૂસે. મને એ ન ગમે. સો જૉબ શોધવા માંડ. અને જેમ બને એમ જલદી અહિંથી મૂવ થા.’
‘પણ..’ બહેન ગીતાએ સહેજ અચકાઈને કહ્યું, ‘એને લાયક કામ તો મળવું જોઈએને..!’
‘….તે શોધવાનું. એને લાયક એક જ કામ અત્યારે તો મારા ધ્યાનમાં છે. મોટેલમાં..!’ જશુભાઈએ સહેજ ચીઢાયને કહ્યું, ‘બીએ થયેલાથી બૉસ ન બનાય. મોટેલમાં લાગી જા. ત્યાં રૂમો બનાવવાની, મગજ બહુ ખાસ ચલાવવાનું નહિ, અને મોટો ફાયદો એ કે રે’વા માટે એકાદ રૂમ મળી જાય તો રેન્ટ ન આપવું પડે. કામનું કામ અને રહેવાનું મફતમાં. એમાં પણ હવે તો કોમ્પિટિશન છે. આપણા દેશીઓ રહેવા મળે તો સાવ મફતમાં કામ કરવા તૈયાર છે એવું ય સાંભળવા મળ્યું છે. એટલે એ કામ મળી જ જશે એવું પણ નથી. ટ્રાય કર. તારું નસીબ હોય તો કંઈ મળી પણ જાય. લે આ પેપરમાં ઘણી જાહેરાતો છે. મોટેલ હેલ્પ માટેની. ફોન કરવા માંડ.’ કહીને એમણે ‘ગુજરાત સમાચાર’ અને ‘સંદેશ’ અખબારોની અમેરિકી આવૃત્તિના ચાર-પાંચ પેપરો દિનુને આપ્યા, ‘ જેમ બને એમ જલદી અહિંથી નીકળવાની કોશિશ કરજે. એવું ન થાય કે પછી મારે…’ બનેવી જશુભાઈ શબ્દો ગળી ગયા પણ એનો ભાવાર્થ દિનુ સમજતો હતો. એણે બહેન તરફ એક નજર કરી પણે બહેને પણ નજર ફેરવી દીધી.
-આ અમેરિકા છે! દિનુને અત્યારે પણ બનેવીના શબ્દો યાદ આવી ગયા..અને એક પ્રશ્ન થયોઃ શું આ અમેરિકા છે? આ પ્રશ્ન એને કેટલાય વખતથી સતાવતો હતોઃ આવું અમેરિકા?! જ્યાં લીલાછમ ડોલરની બોલબાલા હતી અને લીલીછમ લાગણીઓની કોઈ કિંમત નહોતી!
કેટ કેટલાં અરમાનો સાથે એ આવ્યો હતો અહિં? એક વાર અમેરિકા પહોંચી જવાય તો બસ પછી કિસ્મતના દરવાજા ખૂલી જાય. દરવાજા તો ઘણા હતા પણ બધા બંધ હતા..એની ચાવી નહોતી. હતી એ મળતી નહોતી. જેણે કદી ય પોતાની પથારી જાતે પાથરી નહોતી એણે દિવસના ચાલીસથી પચાસ બેડ બનાવવા પડતા..રૂમો બનાવવા પડતા…ગંદા-ગંધાતા સંડાસ-બાથરૂમ સાફ કરવા પડતા…! મેલી ચાદરોની લૉન્ડ્રી કરવી પડતી!! અને દિવસના અંતે શું મળતું?? એક રૂમ દીઠ ચાર ડોલર ને ઢગલો થાક…! આકરી હતાશા…! નરી નિરાશા…!!
-ના, આવું ક્યાં સુધી? દિનુ વિચારતો રહેતો…! આવું ક્યાં સુધી…!?
-હે પ્રભુ બતાવી દે કોઈ તદબીર કે સુધરી જાય આ બગડેલ તકદીર…!!
ધીરે ધીરે એક પછી એક મોટેલ બદલતા બદલતા છેલ્લા ત્રણ વરસથી દિનુ આ એકસો વીસ રૂમની ‘ડેઈઝ ઈન’ મોટેલમાં કામ કરતો હતો. એના માલિક હતા સુનિલભાઈ. એમની પાંચ મોટેલ હતી. કરોડોમાં રમતા હતા. થોડા વિચિત્ર હતા. એમના હાથમાંથી પણ પૈસો સહેલાઈથી છૂટતો નહિ. કોની પાસે કેવું કામ લેવું એ એમની આગવી આવડત હતી. દિનુને ક્યારેક અહિં નાઈટ શિફ્ટમાં ડેસ્ક સંભાળવાની આવતી. એટલે રૂમ બનાવવામાંથી ક્યારેક છુટકારો મળતો. નાઈટ શિફ્ટમાં કામ થોડું ઓછું રહેતું પણ ઊંઘનું બલિદાન આપવું પડતું તો દિવસે રૂમ બનાવી થોડા વધારાના ડોલર પણ મેળવી શકતા. પરન્તુ, આ રીતે કંઈ પૈસા બનાવાય નહિ. દિનુ વિચારતોઃ એક વાર પૈસા આવે તો કંઈ વાત બને. જિંદગી બને. લગ્ન કરાય…! બરાબર સેટલ થવાય! પોતાનું હોય એવું કંઈ કરી શકાય…! ડેસ્ક માટે સુનિલભાઈને સમજાવતા સમજાવતા પણ દિનુને નાકે દમ આવી ગયો હતો. જેમ તેમ સુનિલભાઈ માન્યા એ પણ નાઈટ શિફ્ટ માટે જ! સુનિલભાઈની માન્યતા હતી કે, દેશીઓને ડેસ્કની જૉબ ન અપાય. દેશીઓને જોઈ કસ્ટમર ઓછા આવે! દેશીઓ તો અંદર હાઉસકિપર તરીકે જ સારા…!
શાવર લઈને દિનુ બાથરૂમની બહાર આવ્યો ત્યારે જ ફોનની રિંગ વાગી. માઈક્રોવેવના ઘડિયાળ તરફ એણે એક નજર કરી. અત્યારે રાતે નવ વાગે કોણ હશે વિચારી એણે ફોન ઉપાડ્યો, ‘હલો…!!’
‘દિ…ઈ…નુ…ઊ…!!’ સામે સુનિલભાઈ હતા. આમ તો એઓ અઠવાડિયે એક વાર આવતા. મોટે ભાગે વિક એન્ડમાં. આમ અચાનક સુનિલભાઈનો ફોન આવ્યો એટલે દિનુને સહેજ આશ્ચર્ય થયું, ‘આઇ વોન્ટ ટુ સી યુ નાઉ…’ સુનિલભાઈએ કહ્યું, ‘ડુ યુ અન્ડરસ્ટેન્ડ…!’ ગુસ્સામાં હોય ત્યારે સુનિલભાઈ મોટે ભાગે અંગ્રેજીમાં બોલતા અને એમના અવાજ પરથી લાગતું હતું કે, સુનિલભાઈનો પારો સાતમા આસમાને હતો.
‘ય…સ…!’ દિનુએ ધીમાં અવાજે કહ્યું. જલદી જલદી સ્વેટ સ્યુટ ચઢાવી એ સુનિલભાઈની ઑફિસ તરફ ગયો. સુનિલભાઈની ઑફિસ બે માળના મોટેલના મકાનના એક ખૂણે આવેલ હતી. એનો બંધ દરવાજો ધીરેથી ખોલી એ ઑફિસમાં દાખલ થયો.
‘બો…લો…ભાઈ, કેમ યાદ કર્યો…?!’ દિનુએ ધીમેથી પૂછ્યું.
‘……………’ સુનિલભાઈ મૌન. પણ એમનો ગુસ્સો એમની આંખોમાંથી વરસતો હતો.
દિનુ ડરી ગયો. સુનિલભાઈના ભારેખમ શ્વાસોશ્વાસનો અવાજ પણ તેજ થઈ રહ્યો હતો.
‘પેક અપ યોર બેગ્સ…એન્ડ ગેટ ધ હેલ આઉટ ઑફ માય મોટેલ…! યુ બાસ્ટર્ડ…!’ પોતાની રિવૉલ્વવિંગ ઑફિસ ચેરને ગુસ્સાથી ગોળ ઘુમાવી બોલ્યા.
‘પ…ણ…’ દિનુને કંઈ સમજ ન પડી.
‘યુ…સન ઑફ…!’ સુનિલભાઈના મ્હોંમાંથી અસ્ખલિત ગાળો સરતી હતી, ‘યુ ચીટર…!’
હવે દિનુ ચમક્યો…! તો સુનિલભાઈને જાણ થઈ ગઈ! પણ કેવી રીતે?
‘હાઉ મેની ડોલર યુ મેઈડ ફ્રોમ શોર્ટિયા?’ ગુસ્સેથી ધ્રૂજતા ધ્રૂજતા સુનિલભાઈ ઊભા થઈ દિનુની એકદમ નજદીક આવી ગયા, ‘કેટલા વખતથી..! ફ્રોમ હાઉ લોન્ગ…તું તારી કટકી કાઢતો હતો..? તને એમ કે આઇ વિલ નોટ નો એનિથિંગ…! તને મેં ડેસ્ક પર બેસાડ્યો…! આપણો માણસ સમજીને…!! મારો માણસ સમજીને…!! ને તેં સાલા…જે થાળીમાં ખાધું એમાં જ ટટ્ટી કરી?! તારી જાત પર ગયો?! ગેટ આઉટ નાઉ ફ્રોમ માય મોટેલ…!’
‘ભા..આ…ઈ…!’ દિનુએ મોટ્ટું ધ્રૂસકું નાંખી સુનિલભાઈના પગ પકડી લીધાં, ‘ભાઈ…!! મારાથી મોટી ભૂલ થઈ ગઈ…!આઇ એમ સૉરિ…વેરી… સૉરિ…!’ દિનુએ મજબૂતીથી સુનિલભાઈના પગો જકડી લીધાં, ‘મને માફ કરી દો…’
‘નો…’ સુનિલભાઈએ લગભગ લાત મારી એને છોડવતા કહ્યું, ‘નો..વે…! નાઉ આઇ કાન્ટ ટ્રસ્ટ યુ…! અરે!!  તારા કરતાં તો ધોળિયાઓ સારા…! પેલી મારિયા જો…!કેટલા વખતથી છે ડેસ્ક પર…! એક પેની પણ જો એણે લીધી હોય તો…!’ મારિયા મોટેલમાં ડેસ્ક ક્લાર્ક તરીકે ઘણા સમયથી કામ કરતી હતી, ‘એની નાઈટ શિફ્ટ હોય તો પણ શી નેવર…એન્ડ…યુ…! બોલ કેટલાં બનાવ્યા?’
વાત એમ હતી કે નાઈટ શિફ્ટમાં દિનુ જ્યારે ડેસ્ક પર હોય ત્યારે બે-ચાર કલાક માટે શરીર સુખ ભોગવવા આવતા યુગલોને એ બારોબાર અડધા ભાવે રૂમ ફાળવી આપતો. એની કોઈ રિસિપ્ટ ન બને અને રૂમ  દીઠ ચાલીસ-પચાસ ડોલર એ સીધા પોતાના ગજવામાં સરકાવી દેતો! પેલા યુગલો શોર્ટ ટાઈમ માટે આવે એટલે એઓ ‘શોર્ટિયા’ના નામે ઓળખાય…એઓ મજા કરીને જતા રહે એટલે તરત દિનુ રૂમ બનાવી દેતો. સજાવી દેતો. કોઈને જાણ ન થાય એ રીતે સિફતથી એ આ કામ કરતો હતો…ઘણા સમયથી…! પણ ન જાણે કોઈ રીતે સુનિલભાઈ જાણી ગયા…!
‘મને માફ કરી દો…ભા…ઈ…!’ ધ્રૂસકા દબાવી, રડતા રડતા દિનુ વિનવણી કરતો હતો, ‘હવે હું કદી એવી ભૂલ ન કરીશ…! મારી મતિ મારી ગઈ હતી…!’ દિનુએ ફરીથી સુનિલભાઈના પગ પકડી લીધાં, ‘તમારી જૂતી ને મારું માથું…! તમે મને મારો…! પણ ભાઈ મને કામ પર રહેવા દો…! હું તમારા પૈસા એક એક કરીને આપી દઈશ…! પ્લીઝ…!’ દિનુએ ધ્રૂસકું મૂક્યું. રડતા રડતા એ ફરસ પર ફસડાઈ પડ્યો.
‘હાઉ કેન આઇ ટ્રસ્ટ યુ?’ સુનિલભાઈએ દિનુ તરફ તુચ્છ નજર કરી કહ્યું, ‘ટેલ મી…ટેલ મી…!’
‘…………………’ દિનુએ યાચક નજર કરી વિનવણી કરી, ‘એક વાર ટ્રસ્ટ કરો..! એક ભૂલ તો ભગવાન પણ માફ કરે…! તમે તો મારા અન્નદાતા છો…!’
વેપારી મગજના સુનિલભાઈ વિચારવા લાગ્યાઃ આજકાલ ધંધો ખાસો મંદો હતો. બીજો માણસ શોધતા કોણ જાણે કેટલાં દિવસ નીકળી જાય અને કોણ જાણે એ કેવો હોય? જે છે એને પણ ઑવરટાઈમ આપવો પડશે!
‘ભાઈ…!!પ્લી…ઈ…ઝ…!!’ સુનિલભાઈને વિચારતા નિહાળી દિનુ કરગર્યો, ‘ભા…ઈ, તમે કહો એના સોગંદ ખાંઊં…!’
‘હાઉ કેન આઇ ટ્રસ્ટ યુ? તારો કેમ વિશ્વાસ થાય?’ સુનિલભાઈએ સહેજ ઢીલાં પડતા કહ્યું.
‘ભગવાન સ્વામિનારાયણના સોગંદ…!’ દિનુએ ગળામાં પહેરેલ કંઠી આંખે લગાડી કહ્યું, ‘ભાઈ હું સોગંદ ખાઈને કહું કે કદી પણ એવું ન કરીશ…!’ એની આંખમાં ડર ડોકાતો હતો. જો આ નોકરી જતી રહે તો બીજી આવી નોકરી ન મળે. વળી સુનિલભાઈનું મોટેલ બિઝનેસમાં મોટું નામ. એક વાર એ બ્લેક લિસ્ટમાં આવી જાય તો કદી ય એ મોટેલમાં નોકરી ન કરી શકે…! નોકરી તો જાય અને સાથે સાથે માથેથી છાપરું પણ જાય. બનેવી તો એને ઘરમાં જ ન ઘૂસવા દે…! જાણે એ એક ડેડ એન્ડ પર આવી ગયો હતો…!
‘નો…!’ સુનિલભાઈ અસમંજસ થઈ હોય એમ એમનું ડોકું ધૂણાવતા હતા.
‘પ્લી…ઝ…!’
‘હાઉ વિલ યુ ગિવ માય મની?’ સુનિલભાઈએ પાસો ફેંક્યો, ‘તેં કેટલા બનાવ્યા?’
‘………………!’ દિનુ મૌન રહી નીચું જોઈ ગયો.
‘યુ કેન સ્ટે…!’ સુનિલભાઈ અટક્યા
‘………………!’ દિનુના જીવમાં થોડો જીવ આવ્યો.
‘વિથ વન કન્ડિશન…!’
‘આઇ એમ એગ્રી…!!’ દિનુએ શરત સાંભળ્યા વિના જ કહી દીધું.
સુનિલભાઈ હસી પડ્યા, ‘કન્ડિશન ઇસ કે યુ વિલ નેવર વર્ક ઓન ડેસ્ક…એન્ડ…!’
‘મને કબૂલ છે…!’
‘એન્ડ…!’ હજુ શરત બાકી હતી.
‘………………!’ દિનુ મૂંઝાયો, ‘ભાઈ…મને તમારી દરેક શરત મંજૂર છે!’
‘લિસન…! યુ વિલ ગેટ ઓન્લી ડોલર ફોર રૂમ…!વન બક પર વન રૂમ…!’
-ઓહ…! દિનુ ચમક્યો…! ફક્ત એક જ ડોલર…? ચાર ડોલરને બદલે એક જ…! ઓ પ્રભુ…!!
‘વૉટ ડુ યુ થિન્ક…?’ વ્યંગથી સહેજ હસીને સુનિલભાઈ બોલ્યા, ‘ઇફ એગ્રી..સ્ટે…!નોટ એગ્રી…ગેટ ધ હેલ આઉટ ઑફ માય મોટેલ રાઈટ નાઉ…! તારો રૂમ ખાલી થશે તો ગેસ્ટ માટે જગ્યા થશે…! બોલ…વોટ યુ વોન્ટ ટુ ડુ? તારા જેવા બીજા પચાસના રોજ ફોન આવે છે. અને તને કોઈ મોટેલમાં કેવી રીતે કામ મળે એ હું જોઇશ…! આઇ વિલ સી યુ…! દિન્યા…! યુ બ્રોક ધ ટ્રસ્ટ…!’
દરવાજા વસાય રહ્યા હતા દિનુ માટે.
‘મને મંજૂર છે. તમારી દરેક શરત મને મંજૂર છે.’ સુનિલભાઈના જમણા હાથની હથેળી પોતાના બન્ને હાથોમાં લઈ થપથપાવતા દિનુ સહેજ હતાશ થઈને બોલ્યો, ‘થેન્ક યુ ભાઈ!! મારે તમારો વિશ્વાસ ફરી જીતવાનો છે. આ માટે મારે જે કંઈ કરવું પડે એ કરવા હું તૈયાર છું!’
‘રિમેમ્બર યુ વિલ નેવર ચીટ મી…!’
‘આઇ વિલ…!! નોટ ઓન્લી યુ, આઇ વિલ નોટ ચીટ એનીવન…!’
હતાશ થઈને, હારીને દિનુ એના રૂમમાં આવ્યો…! જાણે એના બધા જ અરમાનોનું અવસાન થયું હતું. સુનિલભાઈએ એની પાંખ કાપી લીધી હતી. જ્યારે એણે તો ઊડવાનું હતું ઊંચે ઊંચે આકાશમાં…!
દિવસો પસાર થઈ રહ્યા હતા. દિનુની દશા કોઠીમાં મ્હોં સંતાડીને રડતા બાળક જેવી હતી. દેશથી મા-બાપ પૈસા મંગાવતા હતા. બાપુજીનું મોતિયાનું ઓપરેશન કરવાનું હતું. બા લગ્ન માટે દબાણ કરતી કે એક વાર દેશ આવીને પરણી જા…હવે તેંત્રીસનો તો થઈ ગયો…!! બનેવી જશુભાઈ ફોન પર પણ ભાગ્યે જ વાત કરતા…! બેન ગીતા ક્યારેક વાતો કરતી…! સાવ એકલો થઈ ગયો હતો દિનુ…! એકલો એકલો રડી પડતો…! કાર લીધેલ એના હપ્તા પણ ન ભરાતા બેન્કવાળા કાર લઈ ગયા…! એક એક ડોલરમાં રૂમ સાફ કરીને શું વળશે? એણે બીજી મોટેલોમાં ફોન કરી જોયા. પણ જ્યારે સુનિલભાઈનું નામ પડતું અને જાણે વાત જ આગળ વધતી જ અટકી જતી! સુનિલભાઈ બધે ફરી વળ્યા હતા…! અન્ય કોઈ નોકરી કરી શકે એવી એની હાલત રહી નહોતી. એમાં પણ એક બે ઈન્ટરવ્યુ આપ્યા. પણ કોઈ આવડતના અભાવે, અનુભવના અભાવે અને વધતી જતી બેકારીને કારણે કોઈ બીજું કોઈ કામ મળે એ શક્ય લાગતું નહોતું. દેશ નાસી જવાનું મન થતું હતું…! સપનાઓના મહેલ તૂટી ગયા હતા…! અતૃપ્ત અભિલાષાઓની લાશ ખભે લઈને ફરતો હતો દિનુ…!
દિવસો જેમ તેમ પસાર થતા હતા. મોટેલ પર અન્ય કર્મચારીઓ સાથે પણ ધીરે ધીરે દિનુના સંબંધ ઓછા થઈ રહ્યા હતા. સ્પેનિશ મૅનેજર સ્કોટ પણ એની સાથે ખપપુરતી વાતો કરતો. એક મારિયા હતી જે દિનુની થોડી દરકાર કરતી. એ મોટે ભાગે ડેસ્ક પર જ કામ કરતી. ત્રીસેક વરસની મારિયા સાલસ સ્વભાવની હસમુખી યુવતી હતી. એ સમજતી હતી કે દિનુ કોઈ ભારે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો હતો. દિનુ પોતાની વાત કોઈને કેવી રીતે કરે? કેવી રીતે એ કહે કે એ કટકી કરતો હતો શોર્ટિયામાંથી અને સુનિલભાઈએ એને પકડી પાડ્યો હતો…? છતાં પેટ છૂટી વાત દિનુએ મારિયાને કરી. મારિયા પહેલાં તો હસી એના પર. ત્યારબાદ, ધીરે ધીરે મારિયાએ સહાનુભૂતિ  બતાવવા માંડી હતી. એની સાથે એ હસીને વાતો કરતી. એના માટે ક્યારેક ખાવાનું પણ લઈ આવતી! તો ક્યારેક થોડા પૈસા પણ આપતી. એ કહેતી, ‘ડોન્ટ વરી..ડીનુ…એવરીથિંગ વિલ બી ફાઇન…ધ ડે વિલ ચેઇન્જ…!’
-પણ ફાઇન થશે એમ કહેવાથી ફાઇન થઈ જતું નથી…! સમય બદલાતો હોય છે…એનો સ્વભાવ છે, એ બદલાય…એની સાથે પરિસ્થિતિ બદલાતી નથી…! દિનુને ફક્ત થોડી શાંતિ મળતી જ્યારે એ મંદિરે જતો. એના વિસ્તારમાં નવું નવું સ્વામિનારાયણનું મંદિર થયું હતું. એમાં શનિ-રવિના રોજ સાંજે પ્રાર્થના સભા થતી. ઘણા સત્સગીંઓ આવતા. પ્રવચનો થતા. ઉપદેશો અપાતા..! ગમે તેમ કરીને દિનુ એ સત્સંગ સંધ્યાઓમાં ભાગ લેતો. પ્રભુને વિનવણી કરતોઃ હે પ્રભુ…! હે સ્વામિનારાયણ ભગવાન…! મારી દશા સુધાર…! મારા તરફ પણ કંઈક નજર કર…! વળી મંદિરે જવાનો મોટો ફાયદો એ થતો કે ત્યાં સત્સંગ બાદ મહાપ્રસાદી મળતી. જમવાનું મળતું…! બાકી તો રોજ મેક્ડૉનાલ્ડની કે બર્ગરકિંગના ડોલર મેન્યુની સેન્ડવિચના ડૂચા જ મારીને જ પેટપૂજા કરવી પડતી હતીને?
દિનુ પોતાનું કામ કરતો રહેતો. સુનિલભાઈએ શરૂઆતમાં એને મળવાનું ટાળતા. પણ આડકતરી રીતે એની જાણ રાખતા. દિનુ પણ માનતો હતો કે એક દિવસ તો સુનિલભાઈનું હૈયું ઓગળશે. ફરી પહેલાં જેવા દિવસો જરૂરથી આવશે. જ્યારે સુનિલભાઈ મોટેલની વિઝિટે આવતા ત્યારે દિનુ એમની નજરમાં આવવાની કોશિશ કરતો. જેથી સુનિલભાઈના વિચારો કંઈક બદલાય. અમેરિકામાં ભયંકર મંદીનું મોજું ફરી વળ્યું હતું. બેકારી વધી રહી હતી. દરેક ધંધા મંદા થઈ રહ્યા હતા. એની અસર મોટેલના ઉદ્યોગ પર પણ વિપરીત પડી હતી. એ કારણે સુનિલભાઈ પણ ચિંતાતુર રહેતા. સુનિલભાઈએ ‘ડેઈઝ ઈન’માંથી પણ માણસો ઘટાડવા માંડ્યા હતા. એવામાં દિનુ પોતાની સ્થિતિ કેવી રીતે સુધારી શકે? જો દિનુ કંઈ કહેવા જાય તો એને પણ કાઢી મૂકે એ ડરે એ વધારેને વધારે મૂંઝાતો હતો. માનસિક વિટંબણાઓને શાતા મળે એ માટે એના મંદિરના આંટા ફેરા વધી રહ્યા હતા. મંદીના દોરમાં મંદિરનો ધંધો ધમધોકાર ચાલે એ એક નરી વાસ્તવિકતા છે.આજે સુનિલભાઈ આવ્યા હતા. શનિ-રવિ એઓ આવતા. શનિવારે એઓ રોકાતા. દિનુએ ધીમેથી એમના રૂમના દરવાજે ટકોરા માર્યા. મોટે ભાગે શુક્રવાર સાંજે એ આવી જતા.
‘ય….સ….! હુ ઈસ…ધીસ…?’ અંદરથી સુનિલભાઈનો અવાજ આવ્યો, ‘ડોર ઇસ ઓપન… પ્લીઝ કમ ઇન સાઈડ…!’ સુનિલભાઈ માટે મોટેલમાં એમનો એટેચ્ડ કિચન વાળો સ્યૂટ શનિ-રવિ કાયમ ખાલી રાખવામાં આવતો.
દિનુ ધીરેથી રૂમમાં અંદર દાખલ થયો, ‘જ…ય સ્વામિનારાયણ…! ભા…ઈ…!’
‘જય સ્વામિનારાયણ…! આવ દિનુ…!’ પલંગ પર આરામ ફરમાવતા સુનિલભાઈ પલંગ પર બેઠાં થયા.
‘ભાઈ….’ સ્વામિનારાયણ ભગવાનના ફોટાવાળું ગોળ વાળેલ કેલેન્ડરનું પિંડલું ખોલી એણે સુનિલભાઈને આપતા કહ્યું, ‘ભા…ઈ…! આ આપના માટે લાવ્યો છું. ખાસ આપના માટે…!’
સુનિલભાઈએ કેલેન્ડર હાથમાં લીધું. ફોટા પર એક નજર દોડાવી અને ભાવપૂર્વક કપાળે ફોટો લગાવ્યો.
‘ભાઈ…! આપણા સિટીમાં નવું મંદિર બની રહ્યું છે. લગભગ બંધાય ગયું છે. આપને સમય હોય તો આવો કાલે…! સત્સંગ સભામાં…!! ઘણા માણસો આવે છે…!’
‘હા…મેં વાંચ્યું છે. મારા પર પણ, આઈ મીન મોટેલના સરનામે બે-ત્રણ વાર ઈન્વિટેશન કાર્ડ પણ આવેલ છે….!’
‘તમે કાલે તો અહિં જ છોને? મારી ખાસ વિનંતિ છે કે તમે આવો કાલે…! દેશથી ઘણા સ્વામિ, ગુરુઓ આવેલ છે. મંદિરમાં સ્વામિનારાયણ જયંતીએ પ્રાણ પ્રતિસ્થાની તૈયારી ચાલે છે. આખા યુએસમાંથી, લંડનથી, અને દેશથી ઘણા બધા સ્વામિઓ, સાધુઓ, ગુરુ મહારાજો આવવાના છે!’
‘એ….મ…!!?’ સુનિલભાઈએ થોડો રસ બતાવ્યો.
‘હા…! મહોત્સવની તૈયારીઓ ચાલે છે…!’
‘…તો….તો…!’ વેપારી સુનિલભાઈનું મગજ વિચારવા લાગ્યું, ‘એઓને ઘણી જગ્યાની જરૂર પડશે…! ઉતારા માટે…!’
‘હા જ સ્તો…! અને આપણા ટાઉનમાં એટલાં બધા દેશીઓ પણ ક્યાં છે કે એઓના ઘરે સ્વામિ-સાધુઓને ઉતારો આપી શકાય? ભાઈ…તમે આવો સત્સંગમાં તો સારું…કૉન્ટેક્ટ થાય…! અને…’
‘કેટલા વાગે સત્સંગ થાય છે? મારું સ્કેડ્યુઅલ જો બિઝી ન હોય તો આઈ વિલ ટ્રાય…!’
બીજા દિવસે સુનિલભાઈએ સત્સંગમાં ભાગ લીધો. આજુબાજુના અન્ય ટાઉનમાંથી ઘણા ગુજરાતીઓ પણ આવતા હતા. સ્વામિઓના પ્રવચનમાં ભક્તિની શક્તિ, ભારતીય સંસ્કૃતિની મૉર્ડન જિંદગીમાં અગત્યના અને મંદિર બનાવવા અંગેના મૂળભૂત વિચારોની વિગતવાર છણાવટ સુનિલભાઈએ જાણી. દિનુ તો મંદિરમાં ઘણા સમયથી આવતો હતો એટલે એ તો મોટે ભાગે દરેક ગુરુ સ્વામિઓને, સાધુઓને નામથી ઓળખતો હતો. એણે એ દરેક સાથે સુનિલભાઈની ઓળખાણ કરાવી. મુખ્ય ગાદીપતિ સ્વામિ સેવાશરણદાસ સાથે અંગત બંધ ઓરડામાં સુનિલભાઈ મળ્યા. સુનિલભાઈ પોતાના ધંધાની મૂંઝવણ વર્ણવે એ પહેલાં જ એ સ્વામિજીએ જાણી લઈ એમને ધીરજ આપતા કહ્યું, ‘ નિશા પછી પ્રભાત આવે છે…અંધકારના વેશમાં પ્રકાશ આવે છે. આજ કાલ દેશ પરદેશમાં સંસ્કૃતિનું ધોવાણ થઈ રહ્યું છે. સંસ્કારોની હોળી સળગે છે એમાં જે કંચન હશે એ ટકી જશે, કથીર હશે એ ભસ્મ થશે. કંચન બનો…! સત્સંગ કરો. સાધુઓ, સ્વામિઓ પારસમણિ જેવા હોય છે. એના સંપર્કમાં આવે એ કથીર હોય તો ય કંચન બને…! સ્વામિનારાયણ સંપ્રદાયમાં કરોડો યુવાનો સત્સંગીઓ દેશ દુનિયામાં જોડાઈને પોતાના જીવનનું ઊર્ધ્વગમન કરી રહ્યા છે. દરેક ધર્મના લોકો એનો લાભ લઈ રહ્યા છે.મનની શાંતિ પ્રાર્થનાથી જ આવે. સત્સંગથી આત્મજ્ઞાનમળ
ે. સાચી માનસિક શાંતિ મળે.’
સુનિલભાઈ માટે આ એક નવો જ અનુભવ હતો. આજ સુધી ધંધાને કારણે એઓને સમય મળતો નહતો. એકલપંડે પાંચ પાંચ મોટેલ સંભાળવામાં, એક મોટેલ પરથી બીજી મોટેલ પર, એક શહેરથી બીજે શહેર…જવામાં જ જિંદગી પુરી થઈ રહી હતી. એમની પત્ની મધુ ઘણી વાર કહેતી કે કંઈ ધરમ કરમ કરો. પણ સમય કોને હતો એ માટે? વળી આજકાલ રિસેસનને કારણે, મંદીને કારણે મોટા ભાગે એમની દરેક મોટેલ અડધા કરતા વધારે ખાલી રહેતી એટલે ગાંઠના ગોપીચંદન કરવા પડતા હતા. મૂડી તૂટી રહી હતી.રાત્રે ઊંઘ ઊડી જતી. એવામાં ધરમ કરવા જાય કે ધંધો કરવા જાય? મધુ તો કહેતી કે મોટેલમાં ઘણા કાળા-ધોળાં કરમો થાય તો એનું ય પાપ લાગે…! પણ ધંધો એ ધંધો…! એમાં થોડુંક તો કાળું-ધોળું કરવું પણ પડે. એ પોતે ક્યાં જાણી જોઈને એવું કરતા હતા? સ્વામિ સેવાશરણદાસ સાથે અંગત વાત કરવાથી, એમની શાંત વાણીથી એમને થોડી શાતા વળી. સ્વામિની વાત સાચી હતી. ધરમને શરણે જવા સિવાય કોઈ આરો નહતો. ધર્મમ્ શરણ્ ગચ્છામિ…!!
એ રાત્રે સુનિલભાઈને નિરાંતે ઊંઘ આવી. પછી તો જ્યારે જ્યારે સુનિલભાઈ આવતા ત્યારે સત્સંગ સભામાં જતા. મહાપ્રસાદી લેતા. ધીરે ધીરે એઓ ધરમના રંગે રંગાઈ રહ્યા હતા. મંદિરનું કામકાજ ચાલી રહ્યું હતું. ચૈત્ર સુદ નોમ, રામ નવમી અને સ્વામિનારાયણ જંયતીના શુભ દિને મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું શુભ મુહૂર્ત નીકળ્યું હતું.
‘ભાઈ…!’ દિનુ રૂમ બનાવીને બહાર નીકળ્યો ત્યારે જ સુનિલભાઈ મોટેલમાં આંટો મારવા નીકળ્યા હતા. કેટલાંક રૂમોમાં કાર્પેટ બદલવાની કામગીરી પુરી થઈ ગઈ હતી એ જોવા માટે એઓ અને મૅનેજર સાથે ચેકિંગ માટે ગયા હતા, ‘જય સ્વામિનારાયણ…!ભાઈ…!’ દિનુએ રબ્બરના હાથ મોજાં કાઢી બન્ને હાથ જોડી કહ્યું, ‘જય સ્વામિનારાયણ….!’
સુનિલભાઈએ દિનુના ખભા પર હાથ મૂકી કહ્યું, ‘જય સ્વામિનારાયણ દિનુ…! કેમનું ચાલે છે…?’ પછી એમણે મૅનેજર સ્કોટ તરફ ફરી સહેજ હસીને પૂછ્યું, ‘હાઉ હી ડુઇન…?’
‘હિ ઇસ ડુઇંગ ગુડ…!’ હસીને સ્કોટ બોલ્યો, ‘નો કમ્પ્લેઈન…રાઈટ નાઉ…! હિ ઇસ ડુઇંગ ઓન્લી હાઉસ કપિંગ…!’
‘ગીવ હીમ લિટલ રેઇઝ…!’ સુનિલભાઈ સહેજ પીગળ્યા, ‘શું કહે છે દિનુ?’
‘……………………!’ દિનુ મૌન. સહેજ હસરતભરી નજરે એ સુનિલભાઈ તરફ નિહાળવા લાગ્યો.
‘ગિવ હીમ ક્વાટર મોર ફ્રોમ નેકસ્ટ વીક…!’ દિનુ તરફ જોઈ સુનિલભાઈ બોલ્યા, ‘જો દિનુ, સિચ્યુએશન ઇસ બેડ…! યુ નો…! આજે કેટલા રૂમ બનાવ્યા?’
‘થેન્ક યુ ભાઈ…!’ મ્લાન હસીને દિનુ બોલ્યો, ‘તમે મને ફાયર ન કર્યો એ જ મારા માટે તો ઉપકાર છે.’ સહેજ અચકાઈને દિનુએ કહ્યું, ‘આઈ નો સિચ્યુએશન ઇસ બેડ…!’
‘સ્કોટ…! મૅનેજર તરફ નિહાળી સુનિલભાઈએ કહ્યું, ‘યુ કેન ગો. ફિનિશ યોર વર્ક…’
‘સી યુ લેટર…’ કહીને સ્કોટ એની ઑફિસ તરફ ગયો.
લૉબીમાં કાર્ટ ધકેલતા દિનુ સાથે સુનિલભાઈ ધીમે ધીમે ચાલવા લાગ્યા, ‘ભાઈ, ગુરુજી આપને યાદ કરતા હતા. એમણે આપના માટે કંઠી અને દાદા સ્વામિનો ફોટો આપેલ છે. તમે કહો ત્યારે આપને આપી જઈશ…! બહુ તત્વજ્ઞાની પુરુષ છે એઓ. મારા મનના બધા પાપો એમણે જ ધોયા, સાફ કર્યા. મારા મનમાં આપના પ્રત્યે પણ હવે કોઈ રાગ-દ્વેષ રહ્યો નથી. હા, શરૂઆતમાં મને થોડું લાગી આવ્યું હતું. પણ દોષ મારો હતો. ગુન્હો મારો હતો. ગુરુસ્વામીજીએ મારા મનને સ્વચ્છ કર્યું. બહુ ચમત્કારી વ્યક્તિત્વ છે ગુરુજીનું…! ત્રિકાળ જ્ઞાની છે. એક વાર એમની પધરામણી કરવી જોઈએ આપણી મોટેલ પર…! એમના ચરણકમળ પડશે તો ધંધો પણ…’
‘એઓ પધારશે…?!!…અહિં…? આપણી મોટેલ પર….?!’ સુનિલભાઈએ ઉત્સુકતાથી પૂછ્યું.
‘કેમ નહિ?!’ કાર્ટ પર ચીપકાવેલ લિસ્ટ પર નજર કરી દિનુએ કહ્યું, ‘ભાઈ, મારે હજુ બીજા ત્રણ રૂમો બનાવવાના છે. જો આપને સાંજે સમય હોય તો હું ગુરુજીએ આપેલ ભેટ આપને આપી જઈશ. તમે ક્યાંક જવાનો હો તો…!’
‘ના….!’ સુનિલભાઈએ વચ્ચે બોલી પડ્યા, ‘મારે એકાઉન્ટ મૅટર ચેક કરવાની છે. બટ યુ કેન સી મી એટ.. ફાઇવ…! પાંચ વાગે મળ…!’
‘ઓ…કે…!ભાઈ…! જય સ્વામિનારાયણ….’ દિનુએ રબ્બરના હાથ મોજાં ચઢાવતા કહ્યું, ‘હું આવીશ પાંચ વાગે…! ને ભાઈ થેન્ક યુ ફોર રેઈઝ…!’ સોમવારથી દિનુને હવે એક રૂમ દીઠ સવા ડોલર મળવાનો હતો…! સુનિલભાઈ ઓગળી રહ્યા હતાઃ જય સ્વામિનારાયણ…!!
આખો દિવસ રૂમો બનાવી-સજાવી, થાક ઉતારવા શાવર લઈ, સહેજ તાજા-માજા થઈ સાંજે પાંચ વાગે ભગવા રંગની એક નાનકડી કોથળીમાં દાદા સ્વામિનો લેમિનેટેડ ફોટો, કંઠી અને સુખડીનો પ્રસાદ લઈ દિનુએ સુનિલભાઈના રૂમના બંધ દરવાજા પર ટકોરા માર્યા.
‘આ..આ…વ દિનુ!’ જાણે સુનિલભાઈ દિનુની જ રાહ જોતા હતા.
‘જય સ્વામિનારાયણ…!’ દિનુએ નમ્રતાથી હાથ જોડ્યા, ‘ભાઈ…! આ આપના માટે ગુરુજીએ પ્રસાદ અને ભેટ મોકલાવી છે.’ દિનુએ કોથળી ખોલી એમાંથી દાદા સ્વામિનો ફોટો કાઢી ભાવપૂર્વક એણે આંખે લગાડ્યો, ‘બહુ જ યુગદ્રષ્ટા છે દાદા સ્વામિ તો…!’ એણે ફોટો અને કંઠી સુનિલભાઈને આપતા કહ્યું, ‘ભાઈ આ તમે પહેરજો. ગુરુએ ખાસ આપના માટે બહુ ભાવથી આપી છે… એ આપની રક્ષા કરશે…! જરૂરથી કરશે…! મારો તો અનુભવ છે…! ..ને આ પ્રસાદી છે. ‘સુખડીની નાની નાની લાડુડીમાંથી એક નાનકડો લાડુ એણે સુનિલભાઈને આપ્યો, ‘ભાઈ લો…પ્રસાદી…!’ એની આંખો સહેજ ભીની થઈ, ‘એક વાત કહું…? તમે માનશો નહિ ભાઈ!! પણ આ એક લાડુથી મેં ક્યારેક આખો દિવસ ગુજાર્યો છે…! એટલી દૈવી શક્તિ હોય છે પ્રભુના પ્રસાદમાં…!’
‘જય સ્વામિનારાયણ…!’ સુનિલભાઈએ પ્રસાદ ભાવપૂર્વક મ્હોંમાં મૂકી એમણે એમનો જમણા હાથનો પંજો આસ્થાથી પોતાના મસ્તક પર ફેરવ્યો, ‘દિનુ…તું પધરામણીનું કં…ઈ કહેતો હતોને…!’
‘કેટલા વાગ્યા…?!’ દિનુએ દિવાલ પર લટકાવેલ ઘડિયાળ તરફ નજર કરી કહ્યું, ‘ગુરુજીની સાયં સંધ્યા પુરી થઈ ગઈ હશે! ભાઈ, જો આપને વાંધો ન હોય તો એક ફોન કરી જોઉં?’
‘ના…ના…મને શો વાંધો…!’ સુનિલભાઈએ એમનો મોબાઇલ ફોન દિનુને આપ્યો, ‘લે, રિંગ કર…!’
દિનુએ ફોન લઈ રિંગ કરી. થોડી વાર પછી સામેથી ફોન કોઈએ ઉપાડ્યો, ‘જય સ્વામિનારાયણ…!’
‘જય સ્વામિનારાયણ…મહારાજ…!’ ફોનના માઉથપીસ પર હાથ રાખી એણે ધીમેથી     સુનિલભાઈને કહ્યું, ‘ગુરુજીના મુખ્ય શિષ્ય સ્વામી નિત્યાનંદજી છે. પછી ફોનમાં એ બોલ્યો, ‘ગુરુજી સાથે જરા વાત કરવી હતી. હું દિનુ. હા…!’
‘………………….’
‘હા…એ બાબતમાં જ…! હા, મારા બો…સ…આઈ મિન સુનિલભાઈ અહિં જ છે. એમના સેલ પરથી જ ફોન કર્યો છે. ગુરુજીને ક્યારે ફાવશે? એમની ઇચ્છા છે. સુનિલભાઈ કાલે અહિં જ છે. સાંજ સુધી…!’
‘………………….!’
ધીમેથી દિનુએ સુનિલભાઈને કહ્યું, ‘ ગુરુજીને પુછાવે છે…આપને કાલે ફાવશેને ભા…ઈ…? પછી તો ગુરુજીને ક્યારે સમય મળે એ કંઈ કહેવાય નહિ…!’
સુનિલભાઈએ ધીમેથી હકારમાં એમની ડોક હલાવી.
‘હા…! કાલે? સવારે…દશ વાગે…?!’ દિનુએ પ્રશ્નાર્થ નજરે સુનિલભાઈ તરફ નિહાળ્યું.
સુનિલભાઈ હકારમાં ફરી એમની ડોક ધુણાવી.
‘સવારનું મુહૂર્ત શુભ છે. ઓકે…!’
‘………………….!’ ધીમેથી દિનુએ સુનિલભાઈને કહ્યું, ‘ભાઈ આપનાથી એમને લેવા તો જવાશેને? ગુરુજી પાસે કંઈ ગાડી ન હોય…! એવું હોય તો હું ડ્રાઈવ કરી એમને લઈ આવીશ…! આવો મોકો  તો ભાગ્યશાળીને જ મળે. આમ તો ગુરુજી કોઈની ઘરે કે મોટેલ પર જતા નથી. પણ ન જાણે કેમ આપના પર એમને અપાર લાગણી છે. એઓ આવશે તો હું પણ મારા રૂમમાં એમના પાવન પગલાં પડે એવી પ્રાર્થના કરીશ!!’ સુનિલભાઈ કંઈ કહે એ પહેલાં જ દિનુએ ફોનમાં કહી દીધું, ‘હા..! હું અથવા તો સુનિલભાઈ પોતે સવારે દશ વાગે મંદિરે ગુરુજીને લેવા આવીશું એમની મર્સિડિઝમાં…!’
‘………………….!’
‘ઓ..કે…! પોણા દશે મંદિરે પહોંચી જઈશું…! હા…હા…! મને જાણ છે ગુરુજીનો સમય બહુ કીમતી છે. જય સ્વામિનારાયણ…!’ કહીને ફ્લીપ ફોન બંધ કરી એણે સુનિલભાઈને આપતા કહ્યું, ‘હું તો માની જ નથી શકતો કે ગુરુજી આટલી આસાનીથી રાજી થઈ જશે…!’ દિનુએ સાશ્ચર્ય કહ્યું, ‘ભાઈ, આપ પહોંચી જજો ટાઈમસર…! આવો લહાવો ભાગ્યશાળીને જ મળે. હું પણ વહેલાં રૂમો બનાવવાનું શરૂ કરી દઈશ એટલે દશ વાગ્યા પહેલાં તો ફ્રી થઈ જઈશ. બાકી હોય એ પછીથી બનાવીશ…!’
શનિવારે સવારે દશ વાગે સુનિલભાઈની સિલ્વર મર્સિડિઝ ધીમેથી ડેઇઝ ઈન મોટેલના અર્ધગોળાકાર પોર્ચમાં ઊભી રહી. સુનિલભાઈ ડ્રાઈવરની સીટ પરથી ઝડપથી ઊતર્યા અને પેસેન્જર બાજુનો દરવાજો ખોલ્યો નમ્રતાપૂર્વક ખોલ્યો. દિનુ પણ ગુરુજીની રાહ જ જોતો હતો. એ પણ મોટેલમાંથી દોડીને આવ્યો. ગુરુજી સાથે એમના બે શિષ્ય સાધુઓ પણ આવેલ હતા. ગુરુજી હળવેકથી ગાડીમાંથી બહાર નીકળ્યા.
દિનુએ દોડીને ગુરુજીના ચરણસ્પર્શ કર્યા, ‘જય…સ્વામિનારાયણ… અમારા અહોભાગ્ય…આપના ચરણો અમારા આંગણે પડ્યા…!’
‘અરે…દિનુ…! કેમ છે…?’ ગુરુજીએ દિનુના માથા પર હાથ ફેરવતા કહ્યું, ‘ સુખી રહે…અને સર્વનું કલ્યાણ કર…! જય સ્વામિનારાયણ….!’ આજુબાજુ નજર કરી એમણે સુનિલભાઈને કહ્યું, ‘ સરસ જગા છે…! મોકાની…!’
‘હા…! હાઈવે એઈટી વેઇસ્ટ પર ઍક્ઝિટ ટ્વેન્ટી લેતાં પહેલાં  આપણી જ મોટેલ આવે…’ સુનિલભાઈએ સહેજ ગર્વથી કહ્યું, ‘આવો…! પધારો….!!’ મુખ્ય પ્રવેશદ્વાર તરફ એમણે ગુરુજીને દોર્યા.
ગુરુજી સહેજ અટક્યા. એમના શિષ્યો તરફ એક નજર કરી. શિષ્યો  અને દિનુ પણ કંઈ ગુસપુસ કરી રહ્યા હતા. પ્રવેશદ્વારની સામે જ મોટેલની વર્તુળાકાર રિસેપ્શન ડેસ્ક હતી.
‘ભાઈ…’ દિનુએ સુનિલભાઈની નજદીક જઈ કહ્યું, ‘મારિયા ડેસ્ક પર છે…!’ ડેસ્ક ક્લાર્ક મારિયા એની જગ્યાએ રજિસ્ટરમાં કંઈક નોંધી રહી હતી, ‘ગુરુજી અને સ્વામી, સાધુઓને સ્ત્રીના પડછાયો પણ વર્જ હોય છે…એઓ એનાથી દુર રહે…! એઓ બ્રહ્મચર્ય પાડે…! અખંડ બ્રહ્મચારી હોય છે…!!’
‘ઓહ…એમ વાત છે…!’ કહી સુનિલભાઈ ઝડપથી મોટેલમાં ગયા. મારિયા સાથે કંઈક વાતો કરી. એક ફોન કર્યો. પાંચેક મિનિટ બાદ મારિયા મોટેલમાં અંદરના રૂમમાં ગઈ ને મૅનેજર સ્કોટ ડેસ્ક પર આવીને ગોઠવાયો. એને થોડી સલાહ-સુચનો આપી  સુનિલભાઈ બહાર આવ્યા, ‘પ…ધા..રો…ગુરુજી…આવો…અંદર…!’
‘જય સ્વામિનારાયણ…’ ગુરુજીએ એમની ભગવી ચાદર શરીરે બરાબર વીંટાળી, ‘વિશાળ છે આપની મોટેલ તો આપના વિશાળ દિલની માફક જ…! કેટલા રૂમો છે?!’
‘આમ તો એકસો ત્રીસ છે. પણ ગેસ્ટ માટે આઈ મીન રેન્ટ માટે એકસો વીસ અવેલેઈબલ હોય છે! આમ તો આ વરસે એક્સ્ટેન્શનનું પ્લાનિંગ હતું. બીજા સિક્સટિ માટે પણ આપ તો જાણો છો ને આજકાલ ઈકોનોમી ડાઉન છે એટલે…!’
લૉબીમાં ગુરુજી અને સુનિલભાઈ ઝડપથી આગળ ચાલતા હતા. એમની પાછળ પાછળ બે શિષ્યો અને દિનુ એમને અનુસરતા હતા.
‘કેટલા દિવસ ડાઉન રહેશે?! આ ઓબામા આવ્યા છે.’ ગુરુજીએ હસીને કહ્યું, ‘ એમણે ઘણા પગલાંઓ લેવા માંડ્યા છે. હી વિલ સ્ટિમ્યુલેટ ધ ઈકોનોમી.  અમેરિકા પર આખી દુનિયાની નજર હોય છે. સારા દિવસો જરૂરથી આવશે. આશાવાદી બનો…! આશા અમર છે…! આશા અમૃત છે…!’
‘સાચી વાત…!’ સુનિલભાઈએ એમના રૂમના ડોરના પેડ પર ઈલેક્ટ્રોનિક કાર્ડ અડકાડ્યો ને દરવાજો ખોલી કહ્યું, ‘આમ તો પુરી મોટેલને આપના પગલાંઓથી પાવન કરવી હતી મારે પણ…’ સહેજ અચકાઈને એઓ બોલ્યા, ‘ગેસ્ટ…કસ્ટમર હોય એમાં વુમન હોય…અને…’
‘ડોન્ટ વરી…! આઈ કેન અન્ડરસ્ટેન્ડ…’ ગુરુજીએ મરકીને કહ્યું, ‘હું તો ના જ પાડતો હતો પણ દિનુએ કે’દીનું નક્કી કરેલ. બહુ સેવાભાવી છોકરો છે. આપના બહુ વખાણ કરતો હતો!!’ ગુરુજીએ દિવાલ પર લટકાવેલ દાદા સ્વામિના ફોટાને બે હાથ જોડી નમસ્કાર કર્યા, ‘લો…! આપને મારા આશીર્વાદની શી જરૂર છે? ખુદ દાદા સ્વામિ હાજરા હજૂર છે…! યુગપુરુષ….! દિવ્ય દૃષ્ટા…!’ ગુરુજીએ સોફા પર સ્થાન લીધું.શિષ્યો સાથે દિનુ પણ હળવેકથી અંદર આવ્યો. એણે જમીન પર સૂઈને ગુરુજીને  સાષ્ટાંગ દંડવત્ નમસ્કાર કર્યા…! ગુરુજીએ સોફા પરથી ઊભા થઈને એને છાતી સરસો લગાડ્યો, ‘અરે…દિનુ તારું સ્થાન તો અહિં છે…!’ એમણે એમની છાતી પર હ્રદયની જગ્યાએ આંગળી લગાડી કહ્યું , ‘મારા દિલમાં…! ભલે તેં દીક્ષા નથી લીધી…પણ તારી ભક્તિ…ભાવના… દાસ્યાસક્તિ બેજોડ છે…ઉત્તમ છે… વત્સ, તારું કલ્યાણ થશે…તું સૌનું કલ્યાણ કર…!’
‘આપની આજ્ઞા સર આંખો પર…!’ દિનુની આંખ ભાવથી ભીની થઈ ગઈ. એ ગદગદિત થઈ ગયો, ‘આપે તો મને ડૂબતો બચાવ્યો છે…! આપ તો મારા માર્ગદર્શક…તારણહાર છો…! ઉદ્ધારક છો…’ રૂમની કાર્પેટ પર ગુરુજીની સાવ નજદીક બેસી દિનુ બે હાથો વડે ધીમે ધીમે ગુરુજીના પગો દબાવવા લાગ્યો.
પછી તો જાત જાતની વાતો થઈ.. સુનિલભાઈના કુટુંબ વિશે, મૂળ વતન, દેશપ્રેમ, પ્રગતિ…સંતાનો…સત્સંગ…સંસ્કાર…ધરમ…કરમ…મંદિર…શિક્ષાપત્રી…વચનામૃત…ભણતર…સેવા.. ગુરુજીએ થોડો ફળાહાર કર્યો.
‘આ મારા તરફથી આ ફૂલ નહિ તો ફૂલની પાંખડી.’ સુનિલભાઈએ એક બંધ ઍન્વેલપ ગુરુજીને આપતા કહ્યું, ‘હાલે તો વન થાઊઝન્ડ વન ડોલર છે…! આપ તો જાણો જ છો ઈકોનોમીક કન્ડિશન…!’ સુનિલભાઈએ ગુરુજીના ચરણસ્પર્શ કરતાં કહ્યું.
‘અ….રે…! સુનિલભાઈ…!’ ગુરુજીએ ઍન્વેલપ એમના શિષ્યોને આપતા કહ્યું, ‘ભા…ઈ, આપે તો અમારા માટે કંઈ કહેવાનું બાકી જ ન રાખ્યું. ધન્ય છે આપને. આપના જેવા સત્સંગીઓને કારણે જ આપણો ધર્મ પાંગરી રહ્યો છે. આપના જેવાને કારણે લાગે છે કે હજુ ય કળિયુગ નથી આવ્યો. સ્વામિનારાયણ ભગવાન અવશ્ય આપનું કલ્યાણ કરશે. શ્રેયસ્થ ભવઃ!’ ગુરુજીએ બન્ને હાથો સુનિલભાઈના માથા પર થોડો સમય મૂકી રાખ્યા. સુનિલભાઈએ એક અજીબ પરમ શાંતિનો અનુભવ થયો.
‘ગુરુજી…!’ સાથે આવેલ એક શિષ્યે કહ્યું, ‘આપણે હવે નીકળવું જોઈએ…!આજે મંદિર માટે કાઉન્ટીના માણસો આવવાના છે. સેફ્ટી માટે. ફાયર માર્શલ..!એઓ આવે એ પહેલાં આપણે પહોંચવું પડશે.’
‘ઠીક યાદ અપાવ્યું સ્વામિ સત્યપ્રિયવદન!’ સુનિલભાઈ તરફ નિહાળી ગુરુજીએ કહ્યું, ‘અમે નીકળીશું. આપ આવો જ સમભાવ રાખશો…! અહિં વિશાળ વીસ એકરમાં ભવ્ય પંચ શિખરી મંદિર સર્જવાનું દાદા સ્વામિનું સ્વપ્ન છે! અને આપ તો જાણો જ છો કે એઓ જ્યારે પણ લે એ પૂર્ણ કરે જ છે…! અમે નીકળીશું!’ એમને સુચક નજરે એમના શિષ્યો અને પછી દિનુ તરફ જોયું. દિનુ તુરંત સમજી ગયો. એણે સુનિલભાઈને કહ્યું, ‘ભાઈ…! ડેસ્ક પર…મા…રિ…યા…!’
‘હા…!’ સુનિલભાઈ ઝડપથી રૂમની બહાર નીકળ્યા. પાંચેક મિનિટ બાદ આવ્યા, ‘ આવો ગુરુજી…રસ્તો ક્લિયર છે. કંઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરશો મહારાજ…! આપના આશીર્વાદ અમારા પર વરસતા રહે એવી પ્રાર્થના છે.’
‘આશીર્વાદ તો ઉપર બેઠા હજાર હાથવાળાના લેવાના…!’ આકાશ તરફ આંગળી ઊચી કરી ગુરુજી ઊભા થયા, ‘એની કૃપા વિના પાંદડું પણ ન હલે…!આપણે તો…અમે તો નિમિત્તમાત્ર…! એમની સેવા..કરો..! જય સ્વામિનારાયણ…!’
દિનુ ફરી પગે લાગ્યો, ‘મહારાજ આપને મારા રૂમે લઈ જવા હતા પણ હવે સમય થઈ ગયો છે. એટલે બીજી વાર..!’
‘અવશ્ય…!દિનુ…!’ ગુરુજીએ દિનુને કહ્યું, ‘કામ બરાબર કરજે…! તું તો ભાગ્યશાળી છે કે સુનિલભાઈ જેવા પરોપકારી દાતાર તારા શેઠ છે.’
‘જી ગુરુજી…! એઓ અન્નદાતા છે તો આપ મન્નદાતા છો…! અંતઃકરણના અધિષ્ઠાતા છો.’
આશીર્વચન વરસાવી ગુરુજી અને શિષ્યો ગયા. દિનુ એના કામે લાગ્યો. એ દિવસ તો ઝડપથી પસાર થઈ ગયો. બીજા દિવસે રવિવાર હતો. લોન્ગ વિક એન્ડની રજાઓને કારણે મોટેલમાં ગરદી હતી. મારિયા આજે આવી ન હતી. મૅનેજર સ્કોટે મારિયાના ઘરે, એના સેલ ફોન પર ઘણી વાર રિંગ કરી. પણ કોઈ જવાબ ન મળતા સીધો મેઈલબોક્ષ જ મળતો હતો. એણે બધી જગ્યાએ મૅસેજ મૂક્યો. મારિયા લગભગ સાતેક વરસથી ડેસ્ક ક્લાર્ક તરીકે મોટેલમાં કામ કરતી હતી. બહુ જ નિયમિત રહેતી. કામગરી અને સૌની વિશ્વાસુ હતી.
‘બૉસ…!’ સ્કોટે ઇન્ટરકોમ પર સુનિલભાઈને રૂમ પર ફોન કર્યો, ‘મારિયા ઈસ નોટ ઈન…! આઈ નીડ હેલ્પ…!’
‘વ્હોટ હેપન્ડ ટુ હર…? આઈ એમ કમિંગ…!’ ઝડપથી તૈયાર થઈ સુનિલભાઈ મૅનેજર સ્કોટને મળ્યા. રિસેપ્શન પર ચાર પાંચ ગ્રાહકો લાઈનમાં ઊભા હતા. એમના બાળકો દોડધામ કરતા હતા એ ગ્રાહકોની સાથે સ્કોટ જરૂરી કાર્યવાહીમાં પરોવાયો હતો.
‘વ્હોટ હેપન્ડ ટુ મારિયા…?!!’ ડેસ્ક પાછળ જઈ સુનિલભાઈએ સ્કોટને મદદ કરવા માંડી, ‘ડીડ યુ કોલ હર…??!’
‘રૂમ નંબર થર્ટી ફોર…!’ સ્કોટે ગ્રાહકને ઈલેક્ટ્રોનિક કાર્ડ કી આપતા કહ્યું, ‘યસ કોન્ટીનેન્ટલ બ્રેકફાસ્ટ ઈસ સર્વડ્ ઈન લૉબી. હેવ એ નાઇસ ડે…’ ત્યારબાદ એણે સુનિલભાઈ તરફ ફરીને કહ્યું, ‘આઈ કોલ્ડ હર…મેની ટાઇમ્સ…! નો આન્સર…! આઈ નીડ હેલ્પ…! ઈટ લુક્સ લાઈક વિ વિલ બી બીઝિ ટુડે…!’
સુનિલભાઈએ પોતાના સેલ ફોન પરથી પણ મારિયાને મૅસેજ મૂક્યો. એક તો મંદીને કારણે એમણે દરેક મોટેલમાં માણસો ઓછા કરી દીધા હતા. જરૂર હોય એના કરતા અડધા જ માણસો કામ પર આવે એમાં આ મારિયાએ દિવસ ખાંડો કર્યો. આખો દિવસ એઓએ ડેસ્ક પર કામ કર્યું. વિચારીને એમણે દિનુને ડેસ્ક પર કામે લગાડ્યો. અન્ય મોટેલ પર રાત્રે જઈ આવી દિવસે ‘ડેઈઝ ઈન’ પર એમણે ખુદ ડેસ્ક સંભાળવી પડતી. પાંચ દિવસ પસાર થઈ ગયા. મારિયાના કોઈ સગડ નહોતા. આજે તો એમણે પોલીસને ઈન્ફોર્મ કરવાનું જ વિચાર્યું હતું. ટપાલી મેઈલ આપી ગયો સ્કોટ એનો થોકડી લઈ આવ્યો અને બે રજિસ્ટર્ડ પત્રો સુનિલભાઈના નામે હતા એ એણે સુનિલભાઈને આપ્યા, ‘બૉસ, ઈટ ઇસ ફોર યુ!!’
સુનિલભાઈએ એ એન્વલપ ખોલ્યા અને  હક્કા બક્કા જ રહી ગયા સુનિલભાઈ! એમને લાગ્યું કે એમને ચક્કર આવી રહ્યા છે. એમના દિલની ધડકનો વધી ગઈ…! દિલના ધબકારા કાનમાં સંભળાવા લાગ્યા…ધક…ધક…ધક…!એરકન્ડિશન વાતાવરણમાં પણ  એમને પરસેવો વળી ગયો.
એમની હાલત જોઈ સ્કોટને ચિંતા થઈ આવી, ‘બોસ…આર યુ ઓકે…?!!’
‘આઈ એમ ફાઇન…!’ સુનિલભાઈ એ બન્ને પત્રો લઈ હાંફતા હાંફતા ઝડપથી ઊભા થઈ એમના અંગત રૂમમાં જતા રહ્યા. હજુ ય એ માની શકતા નહોતા. એ બન્ને પત્રો નોટિસ હતી. એક લોયરની…! મારિયાના લોયરની…! મારિયાએ સેક્સ બેઈઝ્ડ્ ડિસક્રિમિનેશનનો કેસ ઠપકાર્યો હતો પાંચ મિલિયન ડોલરનો એમના પર…! જાતીય પ્રેરિત ભેદભાવાત્મક વલણ બદલ એમને કોર્ટમાં ઘસડ્યા હતા…! બીજી નોટિસ હતી યુનાઈટેડ સ્ટેટ ઈક્વલ એમ્પ્લોયમેન્ટ કમિશનના ઇન્સપેક્ટર જનરલની કાયદાભંગ બદલ…! ઓ..હ…! એમને લાગ્યું કે એમનું હ્રદય ધબકવાનું બંધ થઈ જશે. એમણે છાતી પર જોરથી હાથ ભીંસી દીધો…!
-આ મારિયાએ તો ભેખડે ભેરવી દીધો…! એઓ ઝડપથી વિચારવા લાગ્યાઃ ગુરુજી આવ્યા ત્યારે એમણે મારિયાને ડેસ્ક પરથી અંદરના ભાગમાં જવાનું કહેલ ત્યારે મારિયાએ સહેજ વિરોધ કરેલ, ‘વાય શુલ્ડ આઇ ગો ઈન સાઈડ…? આઈ એમ ફાઇન હિયર…!’
ત્યારે સુનિલભાઈએ સ્વભાવસહજ ગુસ્સાથી કહી દીધેલ, ‘જસ્ટ ગો ઈન સાઈડ…!’
ત્યારે મારિયાની આંખમાંનો આક્રોશ એઓ પારખી ન શકેલ!
-હવે? એમને પોતાની જાત પર ગુસ્સો આવ્યો…! હવે શું?
-પાંચ મિલિયન ડોલર…!
-આ તો ધરમ કરતા ધાડ પડી..! ગુસ્સાથી એમણે એમના ડોકે લટકતી કંઠી બળપૂર્વક ખેંચી તોડી નાંખી. કંઠીના ઝીણા ઝીણા મણકા કાર્પેટ પર વેરાય ગયા. રોષભરી નજરે સુનિલભાઈએ દિવાલ પર લટકતી દાદા સ્વામિની તસવીર તરફ જોયું.એ તસવીરમાં સ્વામિજી મરક મરક હસી રહ્યા હતા.  કંઈક વિચારી એ તસવીર ઉતારી બારી ખોલી બહાર ફેંકી દીધી સુનિલભાઈએ!!
-ઓહ…!
સાવ હતાશ થઈ એઓ પલંગ પર ફસડાય પડ્યા. કંઈક વિચારી એમણે મારિયાને ફોન કર્યો…! થોડી રિંગો બાદ મારિયાએ ફોન ઉપાડ્યો, ‘ડોન્ટ કોલ મી એવર પ્લીઝ..! કોલ માય લૉયર…’ એટલું કહી મારિયા ફોન કાપી નાંખ્યો…!
-હવે…! મારિયાને સમજાવવાનો કોઈ અર્થ નહોતો. આટલા આટલા વરસથી કામ કરતી મારિયાએ સાવ મ્હોં ફેરવી દીધું! એક નરી શૂન્યતા છવાય ગઈ સુનિલભાઈના મનમાં. જાણે સળગતો કોયલો ઉપાડતા હોય એમ એમણે વારાફરતી બન્ને નોટિસ વાંચી. સ્થળ સમય પુરાવા સાથે મારિયાએ પોતાનો કેસ મજબૂત કરી દીધો હતો. કાયદાઓ જટિલ હતા. આમાં ક્યાં સ્ત્રીત્વનું અપમાન હતું? એમણે ક્યાં અપમાન કર્યું હતું? સહેજ વિચારી એમણે દિનુને પોતાના રૂમમાં મોકલવા માટે સ્કોટને કહ્યું. દિનુ આજે ડેસ્ક પર ફરજ બજાવી રહ્યો હતો. ડરતા ડરતા દિનુએ સુનિલભાઈના રૂમના દરવાજે બે ટકોરા માર્યાઃ હવે શું હશે…?
‘જય સ્વામિનારાયણ ભા…ઈ…! મને યાદ કર્યો?’
‘………………….!’ ક્રુધ્ધ નજરે સુનિલભાઈ દિનુએ થોડી ક્ષણો નિહાળતા રહ્યા. દિનુએ જોયું કે સુનિલભાઈના શર્ટના ઉપરના બટનો ખુલ્લા હતા. કદાચ તૂટી ગયા હતા. દિવાલ પર લટકતી તસવીર ગાયબ હતી. સુનિલભાઈ હાલ-બેહાલ હતા.
‘દિન્યા…!’ ઊંડો નિઃશ્વાસ નાંખી સુનિલભાઈ બોલ્યા, ‘આ તારા ગુરુજીએ તો ભેરવી દીધો મને…! બરબાદ કરી નાંખ્યો…!’
‘ગુ…રુ…ઉ…ઉ…જી….ઈ…ઈ…એ…??!!’ દિનુના આશ્ચર્યનો પાર ન રહ્યો. એની આંખો પહોળી થઈ ગઈ.
‘કયા કાળ ચોઘડિયામાં પધરામણી કરી હતી એમની…!’ સુનિલભાઈ ગુસ્સેથી બોલતા હતા, ‘તારી વાતમાં હું આવી ગયો..ને..!’  એમણે ફરી એક નિસાસો નાંખ્યો.
‘પણ થયું શું?’ દિનુને સમજ ન પડી, ‘ગુરુજીએ…?’
‘તારા ગુરુજી અને એના ચેલકાઓ પર સ્ત્રીનો પડછાયો ન પડવો જોઈએ…!બરાબરને…?’
‘હા…! એઓ બાલ બ્રહ્મચારી…!’
‘બાલ બ્રહ્મચારીની તો….!’ સુનિલભાઈએ દિનુની વાત કાપી નાંખી એક ભદ્દી ગાળ દેતાં કહ્યું, ‘તારા ગુરુજીને કારણે મારિયાને મેં અંદર જવા કહેલું…!’
‘હા…!બરાબર…!’
‘એ મારિયાએ સ્યૂ કર્યો છે…મારા પર… સેક્સ બેઈઝ્ડ્ ડિસક્રિમિનેશનનો…! તારા ગુરુજીને લીધે એને એના સ્ત્રીત્વનું અપમાન થયેલ લાગ્યું એ સ્ટ્યૂપિડ બીચને…!’
‘શું વાત કરો છો ?!!’ દિનુનું મ્હોં પહોળું થઈ ગયું.
‘હા…જો…’ ગુસ્સેથી એમણે પેલી બે નોટિસોના કાગળિઆઓ દિનુના મ્હોં પર ફેંક્યા, ‘આ…જો…સાલીએ પાંચ મિલિયન ડોલરનો સ્યૂ ઠોક્યો છે મારા પર…! હવે કહે તારા અંતર્યામી ગુરુજીને કે બચાવે મને…! મને બરબાદ કરી નાંખ્યો તેં ને તારા ગુરુજીએ….!’ ગુસ્સાથી  કાંપતા હતા સુનિલભાઈ, ‘લગાવ તારા એ ગુરુઘંટાલને ફોન…!’ એમણે એમનો સેલ ફોન દિનુ પર ફેંક્યો જે દિનુએ ચપળતાથી ઝીલી લીધો, ‘લગાવ ફોન… એ…ને ને કહે કે બચાવે મને…!’
ધ્રૂજતા ધ્રૂજતા દિનુએ નંબર ડાયલ કર્યો. સામેથી રિંગ વાગતી રહી. કોઈએ ફોન ન ઊંચક્યો…! દિનુએ પ્રશ્નાર્થ નજરે સુનિલભાઈ તરફ જોયું.
‘મારું ડાચું શું જોઇ રહ્યો છે. મૅસેજ મુક એમને. મારે એમને મળવું છે. તારે પણ આવવું પડશે. સાંજે..આજે સાંજે જ…!’
દિનુએ ડરતા ડરતા મૅસેજ મૂક્યો.
‘અરે…દિન્યા…!’ સુનિલભાઈને એકદમ યાદ આવ્યું, ‘તને તો મારિયા સાથે સારું બને છે ને?!! સ..મ..જાવ…સમજાવ એ રાંડને…!!’
‘ચોક્કસ ભાઈ…!’ હું એને ફોન કરીશ…
‘ફોન પર તો એ કંઈ માને એમ નથી…! રૂબરૂ મળ…! પર્સનલી…!પર્સનલી…! એને કહે કે શા માટે મેં એને અંદર મોકલી હતી…!’
‘હા…ભાઈ હું સાંજે એને મળવા જઈશ…! મારે ટેક્સી લેવી પડશે.’ દિનુ પાસે કાર નહોતી.
‘લે…!’ સુનિલભાઈએ એને થોડા ડોલર આપતા કહ્યું, ‘જોઈએ તો હમણાં જ નીકળી જા. તને તો એના ઘરનું એડ્રેસ તો જાણ હશે ને!’
‘ના…! પણ એ તો આપણા એમ્પલોઈના ડેટાબેઇસમાં હશે એ સ્કોટ પાસેથી મેળવી લઈશ. તમે ફિકર ન કરો…!’
‘અ…રે…!!શું ફિકર ન કરો…! આ યુનાઈટેડ સ્ટેટ ઈક્વલ એમ્પ્લોયમેન્ટ કમિશનના કાળા કાયદાઓ બહુ ખરાબ હોય છે. અને એઓ કોઈનું સાંભળે નહિ!’
સાંજે દિનુ સાથે સુનિલભાઈ ગુરુજીને મળ્યા. ગુરુજીએ તો હાથ ઊંચા કરી દીધા. કહી દીધું કે કોર્ટ કચેરીના મામલામાં એઓ ન પડે. આ તો સુનિલભાઈના નિમંત્રણને માન આપી એઓ મોટેલ પર ગયેલ. હવે એમાં એમનો શો દોષ?
સુનિલભાઈની નિદ્રા વેરણ થઈ ગઈ. બ્લડ પ્રેશર વધી ગયું. બીજા દિવસે એઓ એમના વકીલને મળ્યા. મારિયાના લૉયરની નોટિસ અને ઈક્વલ એમ્પ્લોયમેન્ટ કમિશનના કાગળો લઈને. સુનિલભાઈએ એમના વકીલને કહ્યું કે એમણે જ મારિયાને અંદરના ભાગમાં જવા માટે કહેલ અને મારિયા વિરોધ કરેલ. વિચારણાઓ થઈ. ખુદ એમના વકીલે કહ્યું કે કેસ નબળો છે. છતાં અપીલમાં જવાનું નક્કી થયું. એક મહિના પછી કેસ ખૂલ્યો. સુનિલભાઈના કમનસીબે મહિલા ન્યાયાધિશ સાન્દ્રા ડિ’સોઝા પાસે કેસ ગયો. સ્ત્રી ન્યાયાધીશ…! સેક્સ બેઈઝ્ડ્ ડિસક્રિમિનેશનનો કેસ! ઓહ…! વળી મારિયા પાસે બે વિડિયો ટેઇપ હતી. જે એના લૉયરે કોર્ટમાં રજૂ કરી જેમાં સુનિલભાઈ મારિયાને બે-બે વાર અંદર જવા માટે આદેશ આપતા સ્પષ્ટ દેખાતા હતા અને મારિયાએ શાંત સ્વરે એનો વિરોધ નોંધાવેલ એ પણ સ્વયં સ્પષ્ટ હતું. આ વિડિયો મોટેલમાં જ મૂકેલ સિક્યુરીટિ કૅમેરા દ્વારા ટાઈમ અને તારીખ અને સમય સાથેની હતી એટલે કેસ એકદમ નબળો પડી ગયો!  આ ટેઈપ મારીયા પાસે કેવી રીતે આવી? સુનિલભાઈ વિચારતા રહ્યા. જ્યૂરીનો નિર્ણય પાંચ દિવસ બાદ આવવાનો હતો.
સુનિલભાઈની ઉંમરમાં જાણે દશ વરસનો વધારો થઈ ગયો હતો. સાવ હારી ગયા હતા એઓ. મારિયાને પૈસા આપવા સિવાય છૂટકો નહોતો. નહિતર મારિયા એમને જેલવાસની સજા થાય એ માટે દબાણ કરે…! જેલવાસ…કેદ…! ઓહ…!! એમના વકીલે સલાહ આપી કે હવે કોર્ટ બહાર કેસનો ઊકેલ આવે તો કંઈ રાહત થાય બાકી જડ્જ સાન્દ્રા ડિ’સોઝા અને જ્યૂરીના આદેશમાં કદાચ વધારે કડક સજા અને પૅનલ્ટી આવી પડે. જ્યૂરીમાં પણ સ્ત્રીઓની સંખ્યા વધારે હતી.
સુનિલભાઈના વકીલ મારિયાના લૉયરને મળ્યા અને કોર્ટ બહાર સુલેહ-સમાધાન કરવાનું નક્કી થયું. મારિયા માંડ તૈયાર થઈ. પણ એણે  પાંચ મિલિયન ડોલરથી એક પણ પૈસો ઘટાડવા માટે નન્નો ભણી દીધો. સુનિલભાઈને ડિપ્રેશનનો ભારે ઍટેક આવ્યો. એઓ સુનમુન થઈ ગયા હતા. એમને કોઈ વાતમાં રસ ન રહ્યો. મારિયાએ અને એના લૉયરે એક મહિનાની મુદત આપી. સુનિલભાઈના કુટુંબીજનો પણ ગમે તે રીતે મારિયાથી પીછો છોડાવવા માંગતા હતા. દરેક મોટેલના સુનિલભાઈ સોલ પ્રોપ્રાયટર હતા. જાત મહેનત કરીને એમણે સામ્રાજ્ય ખડું કર્યું હતું. એમણે બે મોટેલ વેચવા કાઢી…! ડાઉન ઈકોનોમીના કારણે ભાવ ઓછા આવતા હતા છતાં એમણે એ વેચી નાંખી તો મારિયાએ એક મિલિયન ડોલર ઓછા કર્યા.
જે દિવસે મારિયાને ચાર મિલિયન ડોલર આપવામાં આવ્યા એ દિવસે જ  બિચારા સુનિલભાઈને મેન્ટલ રિહેબમાં દાખલ કરવા પડ્યા. તો બીજી બાજુ બે ભાગ્યશાળી વ્યક્તિઓએ એમના નવજીવનનો શુભારંભ કર્યો. એ હતા દિનુ અને મારિયા! દિનુનાં ગુરુજીના ‘પધરામણી’ના બેજોડ આયોજને રંગ રાખ્યો હતો. રોડપતિ દિનુ મારિયાના પતિની સાથે સાથે કરોડપતિ બની ગયો હતો.  દિનુ અને મારિયાના લગ્ન થયા હતા અને  દિનુ અને મારિયાએ  બે મોટેલ ખરીદી હતી કે જે સુનિલભાઈએ વેચી હતી…પાણીના ભાવે!!
-નટવર મહેતા

1 thoughts on “પધરામણી

Leave a comment