સુવિચાર 10

સફળતાએ ખુશીઓની ચાવી નથી પરંતુ ખુશીએ સફળતાની ચાવી છે. જો તમે જે કરો છો એ બાબતને પ્રેમ કરવા લાગો તો તમે સફળ થશો.

અત્ર તત્ર સર્વત્ર

વસ્યો છે જે અત્ર તત્ર સર્વત્ર;
કેવી રીતે લખું હું એને પત્ર?

દિશાઓની બાંધી છે દીવાલો;
છે આ આકાશ એનું જ છત્ર.

જણ જણમાં વસતો રહ્યો એ;
કેવી રીતે કરવો એને એકત્ર?

દિલમાં જેનો વાસ હર ઘડી;
શોધું હું ખુદાને કેમ અન્યત્ર?

છે અઢી અક્ષરનો શબ્દ પ્રેમ;
એ જ તો છે એક જીવન મંત્ર.

લંબાવે હાથ તો ધરે કર એ;
દોસ્ત,છે એ ય જિગરી મિત્ર.

કુદરતમાં નિહાળ્યો એને મેં;
કેવી રીતે દોરું એનું હું ચિત્ર?

નથી છંદ કે વ્યાકરણનો મેળ;
છે રચના નટવરની પ્રેમપત્ર.
– નટવર મહેતા

મળે નહીં

મળે નામ પણ કંઈ વિશેષણ મળે નહીં
દશા એ કદી કોઈને પણ મળે નહીં !
હવે સાવ વિપરીત છે બાબતો સહુ
સગા બહુ મળે,ક્યાંય સગપણ મળે નહીં !
સમજદારને પણ ન સમજાય એવી
ઘટે રોજ ઘટના, ‘ને તારણ મળે નહીં
ખમી ખાય ઘેરૂં તમસ  એજ પામે
અમસ્તી કદી ચકચકિત ક્ષણ મળે નહીં !
ભળી ગઈ જરાકેય ઈર્ષા નજરમાં
પછી, એ નજરના નિવારણ મળે નહીં
ભલે આમ ટોળે વળે માણસો  પણ
કપાણે, ખરા એક-બે જણ મળે નહીં !
થયો  છે ઘણીવાર એવો ય અનુભવ
નડે તોય નડતરનાં કારણ મળે નહીં !
સવાલો મળે શક્ય છે, વારસાગત
જવાબો વિષેની મથામણ મળે નહીં
– અજ્ઞાત

એક દિ મમ્મી નાની થઈ ગઈ

એક દિ મમ્મી નાની થઈ ગઈ,  ને હું થઈ ગઈ મોટી,

મેં તો એને નવડાવી, લઈને સાબુની ગોટી !!
ભેંકડા એણે ખૂબ જ તાણ્યાં, કર્યું બહુ તોફાન !
મેં પણ એનું માથું ધોયું , પકડીને બે કાન !
તૈયાર કરી, માથે એને લઈ દીધી’તી ચોટી…

એક દિ મમ્મી નાની થઈ ગઈ.

એને ભલે રમવું હોય પણ, લેસન હું કરાવું !
વ્હેલી વ્હેલી ઉઠાડી દઉં, બપોરે સુવરાવું !
બપોર વચ્ચે ગીતો ગાય તો ધમકાવું લઈ સોટી…

એક દિ મમ્મી નાની થઈ ગઈ.

દોડા દોડી કરે કદી તો બૂમ-બરાડા પાડું
ચોખ્ખી લાદી બગાડે તો, ફટકારી દઉં ઝાડું !
તોફાન કરે તો ખીજાતી આંખો કાઢી મોટી

એક દિ મમ્મી નાની થઈ ગઈ.
– ડૉ. આઈ.કે. વિજળીવાળા

યાદ હોવો જોઇએ

વિખવાદ નહીં સંવાદ હોવો જોઇએ
પણ, પૂર્વગ્રહથી બાદ હોવો જોઇએ 

પડઘો અપેક્ષિત હોય સધ્ધર, તો પછી
ઐશ્વર્યશાળી સાદ હોવો જોઇએ!

છે શક્ય, કે રણકો સૂરીલો નીકળે
હર શ્વાસમાં શ્રી નાદ હોવો જોઇએ

ટાણે-કટાણે જઈ શકો, વિશ્વાસથી
એ ઉંબરો એકાદ હોવો જોઇએ !  

ભૂલી જશો બીજું બધું તો ચાલશે
માણસને, માણસ યાદ હોવો જોઇએ
– અજ્ઞાત

શબ્દ

શબ્દ તારે છે, શબ્દ મારે છે, અને શબ્દ ડુબાડે છે.
શબ્દ હસાવે છે, શબ્દ રડાવે છે, અને શબ્દ ફસાવે પણ છે.
શબ્દ માથું અપાવે છે, અને શબ્દ માથું કપાવે પણ છે.
શબ્દ અમૃત છે, અને શબ્દ વિશ પણ છે.
શબ્દ સાધના છે, અને શબ્દ વાસના પણ છે.
શબ્દ આગ લગાડે છે, અને શબ્દ શાંતિ પણ અપાવે છે.
શબ્દ સાથે રમત ન કરીએ, શબ્દનો ઉપયોગ સાવધાનીથી કરીએ.
જીવનમાં બીજાનું સારું ન થાય તો કાઈ નહિ, પરંતુ બીજાનું ખરાબ ક્યારેય ન કરીએ.
ચિંતન પટેલ

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

પરિચેતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.

વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.

વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે
– આદિલ’ મન્સૂરી

થઈ ગયો

લાગણીની ટોચ પર પહોંચ્યા ને પરદો થઈ ગયો,
એક ગરવો સાથ પળમાં ઓર ગરવો થઈ ગયો.

વાતમાં નહિતર હતો ક્યાં કાંઈ પણ વક્કર છતાં,
આપને કીધા પછી હું સાવ હળવો થઈ ગયો.

છે બહુ અપરાધ સંગીત બોલવું અહીંયાં છતાં,
આપને જોયા અને મારાથી ટહુકો થઈ ગયો.

આંખથી સ્પર્શી જીવનના અશ્વ પર વહેતાં થયાં,
ને પછી પળવારમાં હું ખુદથી અળગો થઈ ગયો.

માનું છું ‘સાહિલ’ તણખલા જેવું છે અસ્તિત્વ પણ,
જ્યાં મળ્યાં બે-ત્રણ તણખલાં ત્યાં જ માળો થઈ ગયો.
– ‘સાહિલ’

તબક્કે તબક્કે તફાવત નડે છે

તબક્કે-તબક્કે તફાવત નડે છે
મને, માત્ર મારી શરાફત નડે છે !

નથી જઈ શકાતું ઉપરવટ, સ્વયંથી
અને આખરે, એ જ બાબત નડે છે !

બધાં ફળ મુકદ્દરને આધિન નથી કઈં
ઘણીવાર, ખુદની ય દાનત નડે છે !

ઉલેચાય ઈતિહાસ, તો ખ્યાલ આવે
કે સરવાળે, એકાદ અંગત નડે છે !

નડે છે મને સ્વપ્ન મારાં અધુરાં
અને સ્વપ્નને, આ હકીકત નડે છે !

કરી ’લ્યો હજુ સત્ય સ્વીકૃત, સહજ થઈ
અને કાં કહી દ્યો કે, નિયત નડે છે !

ખબર છે કે, સોનું તપે એમ નિખરે
છતાં પણ, કશુંક વારસાગત નડે છે !
– ડૉ. મહેશ રાવલ

પ્રભુ પંચાયતમાં સ્ત્રી.

ભેદ આવો તો ના રખાય પ્રભુ,
આ તરફ પણ નજર નખાય પ્રભુ.

સાંભળ્યું છે કે તેં બોર ચાખ્યા’તા,
એવડા આંસુ પણ ચખાય પ્રભુ.

ચીર પૂર્યા’તા કદી તેં મારા,
પીડ મારી નહીં પૂરાય પ્રભુ?

રાત, રસ્તો, ઋતુ ને રાંધણિયું,
હર જગા મારાથી દઝાય પ્રભુ !

મારી દીકરી જુવારા વાવે છે,
ક્યાંક મારા સમી ન થાય પ્રભુ !

તો થયું શું કે હું નથી પથ્થર?
માણસાઈને ના અડાય પ્રભુ?

વેણ કર્કશ જણાશે મારા પણ,
વાંસળીથી ચૂલો ફૂંકાય પ્રભુ?
– પ્રણવ પંડ્યા

જર્જર નથી બનતા

અમસ્તી ભીંત ખડક્યે માળખા કંઇ ઘર નથી બનતા
નજીવા કારણે, દિવસો બધા અવસર નથી બનતા

ઘડીના માત્ર છઠ્ઠા ભાગમાં સર્જાય છે ઘટના
યુગોપર્યંત નહીંતર પથ્થરો, ઈશ્વર નથી બનતા !

જરૂરી હોય છે  સંબંધમાં અનુબંધનું  હોવું
ક્ષણિક ઉભરા થકી સંબંધ કંઇ, સધ્ધર નથી બનતા

ડગી ગઈ હોય છે શ્રધ્ધા બધી રીતે ફના થઈને
મનુષ્યો સાવ અમથા તો કદી, કાફર નથી બનતા

અબાધિત હક્ક છે એ માત્ર ખૂશ્બુદાર ફૂલોનો
ગમે તે ફૂલમાંથી માતબર અત્તર નથી બનતા !

થપાટો કાળની બેફામ ખાધી હોય છે એણે
અમસ્તા, કોઇ ગઢના કાંગરા જર્જર નથી બનતા !

મળે છે દાયરા ઓકાતના સહુને જનમથી અહીં
મથે બહુ તોય કંઇ ખાબોચિયા સાગર નથી બનતા !
– અજ્ઞાત