પ્રેમને દેખાય છે !

નિતનવા નુસ્ખા કરીને છેતરી લેવાય છે
આંખની શરમે હવે ક્યાં કોઇને બક્ષાય છે !

મનસુધી પહોંચી જવું, લગભગ અકસ્માતે બને
પણ  હવે એવા અકસ્માતો જવલ્લે થાય છે !

અન્યને અજવાળવા ખુદ તાપણું બનવું પડે
એટલું ગંભીરતાથી ક્યાં કશું લેવાય છે ?

ખાતરી કરવી પડે વિશ્વાસની, દિવસો જુઓ !
સંશયો ઘેરાય  છે ત્યાં આંગળી ચીંધાય છે

આંધળો કહી પ્રેમને અમથો વગોવ્યો આપણે
દેખતાં કરતા વધારે, પ્રેમને દેખાય છે !

એકની શ્રદ્ધા, બીજાની અંધશ્રદ્ધા નીકળે
ખપ મુજબ અહીં રોજ  ઈશ્વર ત્રાજવે તોળાય છે !

છે દિવસની વાત નોંખી, રાતનો વૈભવ અલગ
પાડ માનો સૂર્યનો  કે, રોજ આવે-જાય છે !
– અજ્ઞાત

અજાણ્યા રહી ગયા

આપણે ખુદ આપણાથી પણ અજાણ્યા રહી ગયા
છેવટે, ઘરના ગણાતા જણ અજાણ્યા રહી ગયા

કંઇક એ રીતે વધી આગળ સફર દરિયા તરફ
કે મળ્યા’તા માર્ગમાં, એ રણ અજાણ્યા રહી ગયા !

આમ તો સંબંધનો ઇતિહાસ જાજરમાન છે
પણ,ખબર નહીં કેમ આળા વ્રણ અજાણ્યા રહી ગયા

એ ત્વરાએ જિંદગીએ રંગ બદલ્યા હરપળે
કે સ્વયં બદલાવનાં કારણ અજાણ્યા રહી ગયા !

ધોમ તડકે છાંયડાની શોધમાં ભટક્યા કર્યું
તાપવચ્ચે,આંખનાં શ્રાવણ અજાણ્યા રહી ગયા

આજપણ ખટકી રહ્યો છે રંજ કેવળ એટલો
કે અમારાથી,અમારા પણ અજાણ્યા રહી ગયા

જેમ આવ્યા, એમ ખાલી હાથ લઇ ચાલ્યા પરત
જાત જાળવવા જતાં, તારણ અજાણ્યા રહી ગયા !
– અજ્ઞાત

એક ક્ષણ આપો મને !

આઠે’ પ્રહર બસ પ્રેમનું વાતાવરણ આપો મને
મમળાવતાં જીવું-મરૂં, એ સાંભરણ આપો મને

જેનાં ખભે માથું મૂકી  બે આંસુઓ  સારી શકું
આ ભીડ વચ્ચેથી અસલ, એકાદ જણ આપો મને

રાખો તમે આંટી-ઘૂંટી આ નામ ‘ને સંબંધની
સીધી સરળ નિઃસ્વાર્થ હો, એ ગોઠવણ આપો મને

તરસી રહ્યો છું આજપણ બેફામ હું  જેનાં વગર
આપી શકો તો લાગણીનું વિસ્તરણ આપો મને

ભૂલી જવાતું હોય છે સઘળું, સમય વિત્યા પછી
રહે યાદ એ, હેતાળવું નામક્કરણ આપો મને

ફાવી ગયું છે જીવવાનું આમ,ખુલ્લેઆમ બસ
હું ક્યાં કહું છું કોઇને કે, આવરણ આપો મને !

કોને ખબર કઇ ક્ષણ ગણાશે આખરી,આગળ જતાં
મારાવલી લાગે મને ,એ એક ક્ષણ આપો મને !
– અજ્ઞાત

આપીને જશુ

પ્રશ્નનાં ઉત્તર ખુલાસાવાર આપીને જશું
જલકમલવત જીવવાનો સાર આપીને જશું

ઝંખના છે જેમનાં હૈયે કશુંક પામી જવા
એમને નક્કરપણે અણસાર આપીને જશું

કોઇનાં હોવા ન હોવાનો જગતને શું ફરક ?
પણ, ફરક જેવું ય ભારોભાર આપીને જશું

થાય જો સરખામણી તો હોય અદકા અન્યથી
વારસામાં એટલાં સંસ્કાર આપીને જશું

કોઇનો કાયમ નથી હોતો ઈજારો ક્યાંય,પણ
હો અબાધિત એટલો અધિકાર આપીને જશું

હદ વળોટે એ બધું સાબિત થવાનું જોખમી
અનુભવેલાં સત્યનો ચિતાર આપીને જશું

નહીં વદી નહીં બાદ-વત્તા, શૂન્ય શું ભાગે ગુણે !
જેમ છે બસ એમ આ સંસાર આપીને જશું
– અજ્ઞાત

ચર્ચાય છે !

ધારણા આગળ જતાં બદલાય છે
જેમ, રસ્તા દૂર જઇ ફંટાય છે

દૂરતા પણ જોઇએ થોડી-ઘણી
હાથવેંતે સાદ ક્યાં પડઘાય છે !

લાગણી જેને હશે જેના ઉપર
એ ગમે તે રૂપમાં દર્શાય છે

શક્ય છે એકાદ-બે અપવાદ હો
ઘર અધિકતર ઘર ફૂટ્યેથી જાય છે

કોઇને સંઘર્ષથી મતલબ નથી
મૂલ્ય તો પરિણામથી અંકાય છે !

જેમ જે સિંચાય, એમજ પાંગરે
પાત્રતા વહેવારથી પરખાય છે

છળ બધામાં હોય છે અહીંયાં “મહેશ “
થાય જે જાહેર,એ ચર્ચાય છે !
– અજ્ઞાત

તફાવત બની શકેં

એકાદ અણબનાવ તફાવત બની શકે
સંબંધમાં, પ્રભાવ તફાવત બની શકે

પ્રારબ્ધ હોય તોય પુરૂષાર્થ જોઇએ
પણ, ધૈર્યનો અભાવ તફાવત બની શકે

ભયમુક્ત જિંદગી જ ઠરીઠામ થઇ શકે
થોડોક પણ તનાવ તફાવત બની શકે

અમથી ય ઓળખાણ કરે પક્ષપાત,પણ
સંદિગ્ધ રખરખાવ તફાવત બની શકે !

ઉઘડે પછી જ અર્થ સમજવો સરળ બને
અકબંધ મૌન સાવ, તફાવત બની શકે

ઔચિત્યપૂર્ણ હોય એની વાત ઓર છે
અણછાજતો લગાવ તફાવત બની શકે

મળતાવડાપણું જ વધાવાય છે “મહેશ”
બીજા બધા સ્વભાવ તફાવત બની શકે !
– અજ્ઞાત