ઈશ્વરનું આયોજન

એક મંદિરમાં એક સેવક દરરોજ વહેલી સવારે મંદિરની સાફ-સફાઇ કરે, ઇશ્વરનું ભજન કરે, ઇશ્વરમય રહે.
એક દિવસ તેની અનન્ય સેવાથી રાજી થઇ મંદિરમાં રહેલી મૂર્તિમાં વસેલા ઇશ્વરે સેવકને કહ્યું, ‘હું તારી નિષ્ઠાભરી ભક્તિથી રાજી છું.
તેં મૂર્તિની સેવા કરવાને બદલે દર્શન કરતાં ભક્તોની સેવા વધુ કરી છે. એટલે આજે હું તને કશુંક વરદાન આપવા માગુ છું.’
પેલા ભક્તએ કહ્યું, ‘પ્રભુ એક દિવસ મને તમારી ભૂમિકા ભજવવા દો.’ પ્રભુએ કહ્યું, ‘આમ કરવા માટે રૂપની અદલાબદલી તો થઇ શકશે પણ સ્વભાવની અદલાબદલી નહીં થાય.
તું મારી જગ્યાએ સંપૂર્ણ મૌન ધારીને ઊભો નહીં રહી શકે, થતું હોય તેને થવા દઇ નહીં શકે, પૂર્ણ તાટસ્થ્ય તારામાં નહીં પ્રગટે.’
સેવકે વચન આપ્યું એટલે સેવક ભગવાનની મૂર્તિ બન્યો અને ભગવાન સેવકનું રૂપ લઇ નીકળી ગયાં.
થોડીવારમાં જ એક ઉદ્યોગપતિ મંદિરમાં આવ્યા.
ભગવાનને પગે લાગ્યા, સાષ્ટાંગ વંદન કરી ભગવાનને કહ્યું, ‘હે ભગવાન, મારું સુખ, મારી સમૃદ્ધિ વગેરે હજી પણ વધારજે.
આ દરમિયાન તેમના ખિસ્સામાંથી પૈસા ભરેલું પાકીટ મંદિરમાં પડી ગયું અને ઉદ્યોગપતિ રવાના થયા.
મૂર્તિ બનેલા સેવકને ગૂંગળામણ થઇ.
સાદ પાડવાનું મન થયું પણ ભગવાને આપેલી સૂચના યાદ આવી એટલે મૌન ધારણ કર્યું.
પછી એક ગરીબ ભક્ત આવ્યો.
તેણે ભગવાનને કહ્યું, ‘હે ઇશ્વર, મારી પાસે આજે આ એક રૂપિયાનો છેલ્લો સિક્કો છે તે તને અર્પણ કરું છું. તું મારી લાજ રાખજે હવે.’
આમ કહીને નીચા નમીને વંદન કરતાં તેના હાથમાં પેલું પાકીટ આવ્યું. તે તેણે ઇશ્વરની ભેટ ગણીને રાખી લીધું અને મંદિરમાંથી નીકળી ગયો. મૂર્તિમય બનેલો ભક્ત અકળાયો. તેને થયું કે મેં તો આ પાકીટ આપ્યું નથી. હવે શું કરવું ?
પણ ઇશ્વરનું વચન યાદ આવતાં ફરી મૌન ધારણ કર્યું.
આ પછી થોડીવારે એક નાવિક આવ્યો. તેણે ભગવાનને પ્રાર્થના કરી, ‘હે ઇશ્વર, હું 15 દિવસ માટે દરિયો ખેડવા જાઉં છું. તું મારું રક્ષણ કરજે. મારા કુટુંબની સાર-સંભાળ લેજે. કાયમ દરિયામાં જતી વખતે હું તને પ્રાર્થના કરીને જાઉં છું અને કાયમ તું મારું રક્ષણ કરે છે એ રીતે જ મારું રક્ષણ કરજે.’
નાવિકની પ્રાર્થના પૂરી થઇ ત્યાં જ પેલો ઉદ્યોગપતિ પોલીસને લઇને આવ્યો અને મંદિરમાં પોતાની પછી આ જ માણસ આવ્યો છે એમ જણાવી પોલીસને નાવિકની ધરપકડ કરવા કહ્યું.
પોલીસે નાવિકની ધરપકડ કરી અને મંદિરમાંથી લઇ જતાં હતાં ત્યાં જ મૂર્તિમાં રહેલા પેલા ભક્તની ચંચળ વૃત્તિ સતેજ થઇ ગઇ.
તેનાથી ન રહેવાયું. તેને થયું કે આવો અન્યાય હું ઇશ્વરના રૂપમાં હોઉં ત્યારે કેવી રીતે સહી શકું ?
એટલે તે મૂર્તિ સ્વરૂપે જ બોલ્યો, ‘સબૂર, આ નાવિક ચોર નથી. ઉદ્યોગપતિનું પૈસા ભરેલું પાકીટ તો આની અગાઉ આવેલા પેલા ગરીબ ભક્તે લીધું છે. તેને પકડો અને આ નિર્દોષ નાવિકને છોડો.’
પછી નાવિકને મુક્ત કરાયો અને પેલા ગરીબ માણસને શોધીને તેને જેલમાં લઇ જવાયો.
ઇશ્વર બનેલા ભક્તને થયું કે મેં આજે ઉત્તમ કામ કર્યું છે.
રાત્રે ઇશ્વર મંદિરમાં પરત આવ્યા. સેવકને ભેટ્યાં. આખા દિવસની હિલચાલ પૂછી.
કામચલાઉ ઇશ્વર બનેલા પેલા ભક્તએ હરખભેર પોતે કરેલા પરાક્રમની વાત કરી.
પોતે કેવી રીતે એક નિર્દોષ માણસને બચાવ્યો તેનું વર્ણન અભિમાન સાથે કર્યું.
ઇશ્વરે માથું કૂટ્યું અને કહ્યું, ‘તેં મારા આખા આયોજન પર પાણી ફેરવી દીધું છે. તે નરી મૂર્ખાઇ કરી છે.
ભક્તને અપાર આશ્ચર્ય થયું. પૂછ્યું, ‘પ્રભુ, એ કેવી રીતે બને ?’
ત્યારે ઇશ્વરે જવાબ આપ્યો, ‘તમારા સામાન્ય લોકોના વિચારથી મારો વિચાર ઘણો ઊંચો અને સાવ જુદો હોય છે.
સાંભળ. પ્રથમ જે ઉદ્યોગપતિ આવ્યો તેના તમામ પૈસા પાપમાંથી અને શોષણમાંથી પ્રાપ્ત થયેલાં છે.
તેનું પાપ ઓછું કરવા મેં તેનું પાકીટ પડી જાય એવી વ્યવસ્થા ગોઠવી. પછી જે ગરીબ માણસ આવ્યો તેં જગતનો ઉત્તમ અને પવિત્ર પુરુષ હતો. સેવાનો એ ભેખધારી હતો. પાકીટમાં રહેલા પાપી પૈસા જો આવા પવિત્ર વ્યક્તિના હાથમાં આવે તો તેનું લક્ષ્મીમાં પરિવર્તન થાય અને તે પુણ્ય સ્વભાવિક જ પેલા ઉદ્યોગપતિને મળે.
હવે જે નાવિક આવેલો તેની ધરપકડ થાય અને જેલમાં પુરાય એ સર્વથા ઇષ્ટ હતું કારણ કે આવતી કાલે જ દરિયામાં ભયંકર તોફાન થવાનું છે અને તેમાં તેનું વહાણ અને તે ડૂબી મરે તેમ છે.
એ ભક્ત કાયમ ધંધાની નાવડી દરિયામાં નાખે ત્યારે જીવનની નાવડી મને સોંપતો જાય છે.
તેનું રક્ષણ કરવાની જવાબદારી મારી ઉપર આવી જાય છે.
એટલે તેને બચાવવા મારે તેને કામચલાઉ રીતે જેલમાં મોકલવો પડે તેમ હતો. તેં મારું કર્યુ કારવ્યું બધું ધૂળમાં મેળવી દીધું.
મેં તને અગાઉ પણ કહ્યું હતું કે અહીં ઊભા રહેવું બહુ અઘરું છે.
મૂર્તિ બનીને જ ઊભા રહેવાનું છે. પણ તું તે કરી શક્યો નથી. માનવ જગતનું આ જ મોટુ દુ:ખ છે. તમારી શ્રદ્ધા ક્યારેય સ્થિર થતી નથી. ચંચળ જ રહે છે. જે તમારા દુ:ખનું કારણ છે.’
આ વાર્તા સંદેશો એવો આપે છે કે જ્યારે તમામ માર્ગ બંધ થઇ ગયેલા જણાય, ભાવિ અંધકારમય લાગે, શ્રદ્ધા ખલાસ થઇ જાય ત્યારે અચૂક સમજવું કે તેની પાછળ ઇશ્વરનો કોઇ પ્લાન હશે. દુ:ખ માત્ર આપણને જ આપે છે એવો ભાવ જાગે ત્યારે સમજવું કે વિશ્વની આટલી મોટી વસ્તીમાં એ માત્ર તમને જ ટાર્ગેટ કરે એટલો અક્કલ વગરનો નથી જ. તેનાં આયોજન પ્રમાણે જ બધું થાય છે.

ઈશ્વર જે કરે છે તે આપણા ભલા માટે જ કરે છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s